આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Monday, January 21, 2008

તું, તારો સાથ, તારો સહવાસ



ઢબૂરી દેતી ટાઢ અને
રેલાઇ રહેલા અંધકાર વચ્ચે
ચાંદની પ્રસરાવતો ચંદ્ર
જાણે
મારા અંધિયારા જીવનમાં
પ્રકાશ અને હૂંફ આપતો સૂર્ય
એટલે
તું.


૨.

ભર વરસાદે પલળવાથી બચવા
એક છાપરા નીચે લીધેલ આશરો
અને
મારા જીવનની તડકી-છાંયડી વચ્ચે
તારા ખભા પર માથુ ઢાળી દેતાંક ને
મળેલ વિસામો
એટલે
તારો સાથ.

૩.

એક અજાણ જંગલમાં
રાહ ભુલેલા પ્રવાસીને
અચાનક મળી આવેલ ભોમિયો
અને
મારા ખભે ખભા મિલાવી
મારા દુ:ખ સુખમાં સહભાગી થવા
ઇશ્વરે લંબાવેલ હાથ
એટલે
તારો સહવાસ.

Wednesday, January 16, 2008

ક્ષણિકાઓ

૧.

અનરાધારે તું વરસે ને
હું સાવ કોરો ભઠ્ઠ . . .
બારમાસી ફૂલ તું ને
હું પાનખરનો મઠ . . .

કંઇ ખખડેને હું ભડકી જાઊં
ફંફોસી લઊં ચાદર
અને
મળે છે વાળેલી
એક ગાંઠ
સપનાની મને . . .

૨.

હવે તો ટપાલમાંથી કંઈપણ સરકી શકે છે,
કોઇ પણ સરકી શકે છે.
અને તું તેમાંય
ચૂંટી ખણી શકે છે -
હું અદૃશ્ય -
અને ટપાલમાંથી સરી પડેલા
શબ્દો ઉપર જઈ બેસે છે
મારા અસ્તિત્વની રાખ.

હું પાંગળો .


૩.

હું ભરનિંદ્રા મહીંયે જાગતો રહ્યો

બની સ્વપ્ન વેરણ - છેરણ
કાચ ઉછાળતો રહ્યો -
હતો એ આયનો ને મારૂં જ રૂપ,
શી ખબર મને ?

આવું થયું ન'તું કદી
તારા ગયા પહેલાં . . .

Saturday, December 29, 2007

શ્રી નરેન્દ્ર મોદીની કાર્યકર્તાઓ ને શીખ - શ્રી મોદીજીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા

જળહળતી સફળતા બાદ ગાંધીનગર ખાતે નવનિર્વાચિત ધારાસભ્યો અને કાર્યકર્તાઓને શ્રી નરેન્દ્ર મોદી એ કરેલ સંબોધન .... જેમાં વાત કરતા કરતા શ્રી મોદીજીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા હતા ...



ખરેખર, ભિષ્મ પિતામહે બાણશય્યા પર સુતા સુતાં યુધિષ્ઠિરને જે શીખ આપી હતી તે યાદ આવી જાય છે ...



આખું સંબોધન ચાર હિસ્સામાં છે .. દરેક વિડીયો હરએક ગુજરાતીએ અને ખાસ કરીને દરેક રાજકારણીએ જોવા લાયક છે. મોદીજીને આવી અપ્રતિમ સફળતા શું કામ મળી તેની આપને જાણ થશે.

ભાગ - ૧


ભાગ - ૨



ભાગ - ૩



ભાગ - ૪



જય ગુજરાત ... જય ભારત ...

Friday, December 28, 2007

કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની
કેટલીક વધુ રચનાઓ આપના આસ્વાદ માટે ----

આપ તેમનો સંપર્ક kadiya@sbs.co.in પર કરી શકો છો અને
તેમની રચનાઓ વિષેના અભિપ્રાયો જણાવી શકો છો અથવા
આ રચનાઓ વિશે આપના અભિપ્રાયો Comments તરીકે પણ આપી શકો છો . . .

કવિ સુરેન્દ્ર કડિયા

ગઝલ

દોસ્ત, ભઠ્ઠી ગાળવાની નોબતો આવી
સ્વપ્ન સૌ સળગાવવાની નોબતો આવી

જળ બધું ગમગીન થઈ એવું રૂદન કરે
કે હલેસાં ખાળવાની નોબતો આવી

પંખી તો ઊડી ગયું પિંજર ત્યજી દઈને
એક પીંછું પાળવાની નોબતો આવી

મૌન તો રુઆબથી જીતી લીધું અમે
પણ શબદ સૌ હારવાની નોબતો આવી

કોઈની પીડા જરીયે લઈ શકાઈ ના
બસ, સમજ વિસ્તારવાની નોબતો આવી.


(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)

--------


ગઝલ


સાવ સૂનું ઘર અને દર્પણ વિશેની વાત છે
ભીંત પર ચડતી જતી હર ક્ષણ વિશેની વાત છે

તુંય હામાં હા મિલાવી ના શકે તો કાંઈ ના
દૂર, વાદળમાં પ્રજળતા રણ વિશેની વાત છે

મેં ઉછીની આંખ ને નજરો પરત તો દઈ દીધી
પણ ફરકતી રહી ગઈ પાંપણ વિશેની વાત છે

હું ગઝલ ને શબ્દની વચ્ચે ઘડાતો જાઉં છું
રોજ એરણ પર ઝીંકાતા ઘણ વિશેની વાત છે

એક બાળક એક ગજવું ગમ - ખુશી વેરી ગયું
હર્ષથી ભીંજાયેલા લીંપણ વિશેની વાત છે



(શ્રી સુરેન્દ્ર કડિયાની અનુમતિથી સાદર પ્રસ્તુત)

(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)

--------



Tuesday, December 18, 2007

મારા માર્ગદર્શક મિત્ર કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની કેટલીક રચનાઓ આપના આસ્વાદ માટે ----

ગઝલ
- સુરેન્દ્ર કડિયા


ફૂલોની ફરશ પર પસીનો ઠર્યો છે
કહે છે, હવાઓએ ઓચ્છવ કર્યો છે.

ફરી એની સામે અરીસો ધર્યો છે
ફરી એક તાજો સિતારો ખર્યો છે.

મુબારક હો સઘળું અખંડિત-અખંડિત
અમે શ્વાસનો સહેજ બખિયો ભર્યો છે.

હતો એક બુદ બુદ અહંથી છકેલો
કહે, આખેઆખો સમંદર તર્યો છે.

કદી બંધ કરશો તો અંધારું થાશે
કિતાબોની વચ્ચે સૂરજ તરવર્યો છે.

(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)

******************************************


ગઝલ
- સુરેન્દ્ર કડિયા


અઢળક ઊંડે તળિયે બેઠા
અમે અમારા ફળિયે બેઠા

વત્તો-ઓછો ભેદ મળે તો
જળમાંથી ઝળઝળિયે બેઠા

શબદ-શબદની માયા બાંધી
કાગા થઈ કાગળિયે બેઠા

શબરી એંઠાં બોર ધરાવે
અનહદ-ફળના ઠળિયે બેઠા

નવલખ તારા ઠોલી થાક્યા
પછી તમારા નળિયે બેઠા

(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)

***********************************

(કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની અનુમતિથી બ્લોગ પર પ્રકાશિત)

Saturday, December 15, 2007

લાગ્યો છે ...

તમે પિવરાવી બેઠા તો
નશો ચક્ચૂર લાગ્યો છે
તમારી આંખડીનો રંગ
મને ઘેઘૂર લાગ્યો છે.


તમે તરછોડી દીધાંથી
અમે ભટકી ગયાં રાહો
વૃક્ષો વિના રસ્તો
બહુ ઘનઘોર લાગ્યો છે.


તમે તો એમ કે'તા 'તા
કદી જુદાં નહિ પડીએ
છતાં મહેફિલની વચ્ચોવચ
મને બહુ દૂર રાખ્યો છે.


ફરી ક્યારે મળાશે આપને,
શી ખબર મુજને ?
છતાં યે આપની સાથે
સંબંધ ભરપૂર રાખ્યો છે.

Wednesday, December 5, 2007

મુકી ને ...

મોંઘામૂલી આંખ મુકીને
આંખ પછીથી શ્વાસ મુકીને.

ઊપર નીચે આગળ પાછળ
ચોતરફ નિશ્વાસ મુકીને.

પહાડ, દરિયો અને આ સૂરજ
ડૂબ્યો'તો આકાશ મુકીને.

હવે પછીથી, પછી પછીથી,
સૂરજનો આભાસ મુકીને.

દોડી જાને સરવર પાસે,
દરિયાનો કોઇ પ્રાસ મુકીને.

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory