૧
ઢબૂરી દેતી ટાઢ અને
રેલાઇ રહેલા અંધકાર વચ્ચે
ચાંદની પ્રસરાવતો ચંદ્ર
જાણે
મારા અંધિયારા જીવનમાં
પ્રકાશ અને હૂંફ આપતો સૂર્ય
એટલે
તું.
૨.
ભર વરસાદે પલળવાથી બચવા
એક છાપરા નીચે લીધેલ આશરો
અને
મારા જીવનની તડકી-છાંયડી વચ્ચે
તારા ખભા પર માથુ ઢાળી દેતાંક ને
મળેલ વિસામો
એટલે
તારો સાથ.
૩.
એક અજાણ જંગલમાં
રાહ ભુલેલા પ્રવાસીને
અચાનક મળી આવેલ ભોમિયો
અને
મારા ખભે ખભા મિલાવી
મારા દુ:ખ સુખમાં સહભાગી થવા
ઇશ્વરે લંબાવેલ હાથ
એટલે
તારો સહવાસ.
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Monday, January 21, 2008
તું, તારો સાથ, તારો સહવાસ
Thursday, November 22, 2007
આઇન્સ્ટાઇન નો સાપેક્ષવાદ
સમય સાપેક્ષ છે,
નિરપેક્ષ છે ફક્ત પ્રકાશનો વેગ।
પ્રકાશના વેગની ગતિએ જનારા માટે
થંભી જાય છે સમય .
સમયનું થંભી જવું આમ પણ શક્ય છે .
* * *
હું સાંજે પેલી ગલીના વળાંકે ઊભા ઊભા
જોઊં છું તારી રાહ .
તું આવે છે,
સામે ઊભી રહે છે,
તું મૌન છે,
હું મૌન છું
અને
થંભી જાય છે સમય .
સમયનું થંભી જવું આમ પણ શક્ય છે .
* * *
હું તારાથી જોજનો દૂર .
અચાનક તારા હાથે લખાયેલ
એક પત્ર મળે છે -
પ્રેમ, લાગણી, વિરહ, યાદ -
ઊભરાય છે શબ્દો
અને
સ્ત્રવે છે આંખો
અને
થંભી જાય છે સમય .
સમયનું થંભી જવું આમ પણ શક્ય છે .
* * *
હું એકલો અટૂલો
તડપું છું તારી યાદમાં -
તને વિંટળાયા છે કોઇના બાહુ .
હું આંખો મીંચી જાઊં છું,
છવાઇ જાય છે અંધકાર -
થંભી જાય છે સમય .
સમયનું થંભી જવું આમ પણ શક્ય છે .
* * *
હું બેઠો છું
આપણા બંગલાની બહાર
પથરાયેલ લોન પરની
ઢાળેલી ખુરશીમાં .
ધીમે ધીમે છવાય છે સાંજ .
બંગલામાં ફક્ત નિરવતા
પ્રત્યેક સાંજે આવે છે તારી યાદ .
તું ગઈ છે એક અજાણ્યા વિશ્વમાં,
મારેથી
અનંત ગણે દૂર -
તારા અસ્તિત્વની રાખ ઊડીને છવાઇ જાય છે
મારા રોમ રોમ પર
અને
હું ઝબકી જાઊં છું -
થંભી જાય છે સમય .
સમયનું થંભી જવું આમ પણ શક્ય છે .
* * *
Saturday, November 17, 2007
મારી આસપાસ હો ...
તું દૂર હો કે પાસ હો
પણ મારી આસપાસ હો
મારો ફોટો જોઊં ત્યાં
તારો મને આભાસ હો
ડાયરીના પાના વચાળે
દબાવેલ સુવાસ હો
હથેળીયું માં શ્વાસ હો
ટેરવા પર આશ હો
તું ભલે રહી બધે
ક્યાં મારી આસપાસ છો ?
Thursday, November 15, 2007
આ અજનબી શહેર માં
આ અજનબી શહેર માં ...
કોણ લઈ આવ્યું મને આ અજનબી શહેર માં
કોણ લઈ આવ્યું મને આ તરકટી શહેર માં.
પાંખો વેચાય છે બધે, ' નકલ થી સાવધાન ! '
ઊડવાને ય છે સજા આ અજનબી શહેર માં.
શક્ય છે કે તેની ગલીમાં ભૂલા પડાયે પણ,
આંગળીમાં છે કપટ આ અજનબી શહેર માં.
એ બધું રહસ્ય છે, ભલે પડદો રહ્યો તેના પરે,
પુછવાની ય છે મના આ અજનબી શહેર માં.
રહસ્યમય વાતાવરણ ઘુમરાય ચારેકોર,
જાસૂસ છે ગલી હરેક આ અજનબી શહેર માં.
બોલવું ય ગુનો છે, ખબરદાર બોલ્યા તો ?
જીભ પર રાખો લગામ, આ અજનબી શહેર માં.
હું હવે ઘુંટાઉં છું, કોઇ તો કાઢો મને
શહેરની હદ બહાર, આ અજનબી શહેર માં.
Easy Seek-Free Search
All-Blogs.net directory
Blog Directory
Add to Bloglines