આજે અચાનક મારા હાથમાં એક નોટબુક આવી પડી. તેમાં મેં વિતેલા વર્ષો દરમ્યાન લખેલ કાવ્યો મળી આવ્યાં. આમાંનું એક કાવ્ય જે મેં મારા ૨૫ વર્ષો પૂર્ણ થવા સમયે લખેલ, તે હું અહીં કશા સુધારા-વધારા વગર જેમનું તેમ પ્રસ્તુત કરી રહ્યો છું.
-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
૨૫ વર્ષો - રજત જયંતિ
વિતેલા પચ્ચીસ વર્ષોમાં
હું
અને મારી અંદર રહેલો 'હું'
ઘણીવાર બથોબથ આવી ગયા છીએ.
કેટલીયે વાર એણે મને -
પછાડ્યો છે,
ધૂળ ચાટતો કર્યો છે.
મારી અંદર
મારા અસ્તિત્વ અંગેની લડાઇ
છેલ્લાં પચ્ચીસ વર્ષોથી
ઘમાસાણ રીતે ચાલુ છે.
ઘડીકેય
ઝંપીને બેઠો નથી -
મારો જીવ.
પ્રત્યેક વહી જતી ક્ષણના કિનારે ઊભા ઊભા
લડાઇ જોવામાં વિતાવેલા પચ્ચીસ વર્ષોને
મેં ખાડો ખોદીને
દાટી દેવાના કર્યા છે
ભરસક પ્રયત્નો,
પણ તેના કિલ્લામાંની
એક કાંકરી પણ હજી સુધી હું
ખેરવી શક્યો નથી.
પચ્ચીસ પચ્ચીસ વર્ષોનો મજબૂત કિલ્લો
મારી ચારે તરફ ભરડો લઇ
રાખે છે મને
નજરકેદ.
મારા અસ્તિત્વના પચ્ચીસ વર્ષોની પ્રત્યેક ક્ષણ
કાળકોટડીમાંથી જોયા કરે છે
ઊગતો અને ડુબતો સૂરજ.
ભેજમય હવામાન,
સળિયાની આડશ,
પ્રત્યેક વર્ષે ખોડાતો જતો એક વધારાનો ખીલો ...
આવતા જન્મ દિવસે
મને ફાંસીની સજા ફરમાવવાનું
છુટ્યું છે ફરમાન ...
કોણ હશે એ ?
ગાળિયો ?
દોરડું ?
કે . . . . . . ! ?
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Friday, November 30, 2007
૨૫ વર્ષો - રજત જયંતિ
Posted by Vijaykumar Dave at 12:42 PM
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment