આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Saturday, December 29, 2007

શ્રી નરેન્દ્ર મોદીની કાર્યકર્તાઓ ને શીખ - શ્રી મોદીજીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા

જળહળતી સફળતા બાદ ગાંધીનગર ખાતે નવનિર્વાચિત ધારાસભ્યો અને કાર્યકર્તાઓને શ્રી નરેન્દ્ર મોદી એ કરેલ સંબોધન .... જેમાં વાત કરતા કરતા શ્રી મોદીજીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા હતા ...



ખરેખર, ભિષ્મ પિતામહે બાણશય્યા પર સુતા સુતાં યુધિષ્ઠિરને જે શીખ આપી હતી તે યાદ આવી જાય છે ...



આખું સંબોધન ચાર હિસ્સામાં છે .. દરેક વિડીયો હરએક ગુજરાતીએ અને ખાસ કરીને દરેક રાજકારણીએ જોવા લાયક છે. મોદીજીને આવી અપ્રતિમ સફળતા શું કામ મળી તેની આપને જાણ થશે.

ભાગ - ૧


ભાગ - ૨



ભાગ - ૩



ભાગ - ૪



જય ગુજરાત ... જય ભારત ...

Friday, December 28, 2007

કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની
કેટલીક વધુ રચનાઓ આપના આસ્વાદ માટે ----

આપ તેમનો સંપર્ક kadiya@sbs.co.in પર કરી શકો છો અને
તેમની રચનાઓ વિષેના અભિપ્રાયો જણાવી શકો છો અથવા
આ રચનાઓ વિશે આપના અભિપ્રાયો Comments તરીકે પણ આપી શકો છો . . .

કવિ સુરેન્દ્ર કડિયા

ગઝલ

દોસ્ત, ભઠ્ઠી ગાળવાની નોબતો આવી
સ્વપ્ન સૌ સળગાવવાની નોબતો આવી

જળ બધું ગમગીન થઈ એવું રૂદન કરે
કે હલેસાં ખાળવાની નોબતો આવી

પંખી તો ઊડી ગયું પિંજર ત્યજી દઈને
એક પીંછું પાળવાની નોબતો આવી

મૌન તો રુઆબથી જીતી લીધું અમે
પણ શબદ સૌ હારવાની નોબતો આવી

કોઈની પીડા જરીયે લઈ શકાઈ ના
બસ, સમજ વિસ્તારવાની નોબતો આવી.


(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)

--------


ગઝલ


સાવ સૂનું ઘર અને દર્પણ વિશેની વાત છે
ભીંત પર ચડતી જતી હર ક્ષણ વિશેની વાત છે

તુંય હામાં હા મિલાવી ના શકે તો કાંઈ ના
દૂર, વાદળમાં પ્રજળતા રણ વિશેની વાત છે

મેં ઉછીની આંખ ને નજરો પરત તો દઈ દીધી
પણ ફરકતી રહી ગઈ પાંપણ વિશેની વાત છે

હું ગઝલ ને શબ્દની વચ્ચે ઘડાતો જાઉં છું
રોજ એરણ પર ઝીંકાતા ઘણ વિશેની વાત છે

એક બાળક એક ગજવું ગમ - ખુશી વેરી ગયું
હર્ષથી ભીંજાયેલા લીંપણ વિશેની વાત છે



(શ્રી સુરેન્દ્ર કડિયાની અનુમતિથી સાદર પ્રસ્તુત)

(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)

--------



Tuesday, December 18, 2007

મારા માર્ગદર્શક મિત્ર કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની કેટલીક રચનાઓ આપના આસ્વાદ માટે ----

ગઝલ
- સુરેન્દ્ર કડિયા


ફૂલોની ફરશ પર પસીનો ઠર્યો છે
કહે છે, હવાઓએ ઓચ્છવ કર્યો છે.

ફરી એની સામે અરીસો ધર્યો છે
ફરી એક તાજો સિતારો ખર્યો છે.

મુબારક હો સઘળું અખંડિત-અખંડિત
અમે શ્વાસનો સહેજ બખિયો ભર્યો છે.

હતો એક બુદ બુદ અહંથી છકેલો
કહે, આખેઆખો સમંદર તર્યો છે.

કદી બંધ કરશો તો અંધારું થાશે
કિતાબોની વચ્ચે સૂરજ તરવર્યો છે.

(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)

******************************************


ગઝલ
- સુરેન્દ્ર કડિયા


અઢળક ઊંડે તળિયે બેઠા
અમે અમારા ફળિયે બેઠા

વત્તો-ઓછો ભેદ મળે તો
જળમાંથી ઝળઝળિયે બેઠા

શબદ-શબદની માયા બાંધી
કાગા થઈ કાગળિયે બેઠા

શબરી એંઠાં બોર ધરાવે
અનહદ-ફળના ઠળિયે બેઠા

નવલખ તારા ઠોલી થાક્યા
પછી તમારા નળિયે બેઠા

(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)

***********************************

(કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની અનુમતિથી બ્લોગ પર પ્રકાશિત)

Saturday, December 15, 2007

લાગ્યો છે ...

તમે પિવરાવી બેઠા તો
નશો ચક્ચૂર લાગ્યો છે
તમારી આંખડીનો રંગ
મને ઘેઘૂર લાગ્યો છે.


તમે તરછોડી દીધાંથી
અમે ભટકી ગયાં રાહો
વૃક્ષો વિના રસ્તો
બહુ ઘનઘોર લાગ્યો છે.


તમે તો એમ કે'તા 'તા
કદી જુદાં નહિ પડીએ
છતાં મહેફિલની વચ્ચોવચ
મને બહુ દૂર રાખ્યો છે.


ફરી ક્યારે મળાશે આપને,
શી ખબર મુજને ?
છતાં યે આપની સાથે
સંબંધ ભરપૂર રાખ્યો છે.

Wednesday, December 5, 2007

મુકી ને ...

મોંઘામૂલી આંખ મુકીને
આંખ પછીથી શ્વાસ મુકીને.

ઊપર નીચે આગળ પાછળ
ચોતરફ નિશ્વાસ મુકીને.

પહાડ, દરિયો અને આ સૂરજ
ડૂબ્યો'તો આકાશ મુકીને.

હવે પછીથી, પછી પછીથી,
સૂરજનો આભાસ મુકીને.

દોડી જાને સરવર પાસે,
દરિયાનો કોઇ પ્રાસ મુકીને.

Monday, December 3, 2007

પ્રિય પપ્પા હવે તો તમારા વગર…. - મુકુલ ચોક્સી

મારા બ્લોગના એક મુલાકાતીને શોધવા ગયો. તેમના બ્લોગ પર મુકુલ ચોક્સીએ લખેલ એક સરસ મજાનું ગીત મળી આવ્યું અને તે પણ સુરના સથવારે. શોધ કરતા જાણ થઈ કે આ ગીત ટહુકો ડોટ કોમ પર ઉપલબ્ધ છે. આ ગીત અહીં જ સાંભળવા મળે તેવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો છે.

સાંભળો આ ગીત હવે અહીં ...

કવિવર : મુકુલ ચોક્સી
સ્વર : નયના ભટ્ટ
સંગીત : મેહુલ સુરતી
લીંક : http://tahuko.com/?p=819






*************
ગીત આપના આસ્વાદ માટે ...

----------------

પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

*************

આ ગીત માત્ર નિજાનંદ માટે અને મને ગમ્યું હોઇ પોસ્ટ કરેલ છે. આ ગીત પોસ્ટ કરવામાં કોઇ હક્ક કે કોપીરાઇટ્નું ઉલ્લંઘન થતું હોય તો મારૂં તરત ધ્યાન દોરશો...હું આ પોસ્ટ હટાવી લઈશ. આને કારણે જાણે - અજાણે કોઇની લાગણી દુભાણી હોય તો ક્ષમા કરશો. મારો હેતુ માત્ર ગુજરાતી કવિતાઓ અને સંગીતને લોકો સુધી પહોંચાડવાનો છે.

હિન્દ યુગ્મ.કોમ પર નવેમ્બર - ૨૦૦૭ ની કાવ્ય પ્રતિયોગિતાની પુરસ્કૃત કવિતા - ગુજરાતીમાં અનુવાદિત

હિન્દ યુગ્મ ડોટ કોમ એ હિન્દી કવિતાઓનું આશ્રયસ્થાન કહી શકાય તેવી વેબસાઇટ છે. દર મહિને તેઓ હિન્દી કવિતાની સ્પર્ધા યોજે છે અને વિજેતાઓને પુરસ્કાર પણ આપે છે.

નવેમ્બર મહિનામાં યોજાયેલ આ સ્પર્ધામાં જે કવિતાને પુરસ્કૃત કરવામાં આવેલ છે, (http://merekavimitra.blogspot.com/2007/12/blog-post_03.html) તેમાંની એક કવિતાનો અનુવાદ આપની સમક્ષ મુકતાં હું આનંદ અનુભવું છું. આ અનુવાદ હિન્દ યુગ્મ ડોટ કોમની સહમતિથી પ્રકાશિત કરી રહ્યો છું.

આ કવિતા કવિયત્રી ડો. અંજલી સોલંકી દ્વારા લખાયેલ છે. તેઓનો જન્મ ઉત્તર પ્રદેશના જિવાના ગામમાં તારીખ ૧૯.૦૯.૧૯૮૦ના રોજ થયો છે. તેઓ હાલ ચંદીગઢ ખાતે એમ.ડી. પેથોલોજીના અંતિમ વર્ષમાં છે.

માણો ... તેમની પુરસ્કૃત કવિતાને ગુજરાતીમાં ...



*********************

ક્ષણિકાઓ - ડો. અંજલી સોલંકી.

૧.
તારો કોલ,
એક વણકહ્યો પ્રશ્ન,
એક વણસુણ્યો ઉત્તર,
એક અણચાહ્યો વિવાદ,
એક અભાગી સંબંધ.

૨.
આજ રાત મન ભરી રોઇ લઊં.
સાંભળ્યું છે ...
કાલ નિલામીમાં
અંધકાર પણ વેચાશે.

૩.
યુગ વિત્યાં ફેંસલાઓ સાંભળતા - સહેતાં.
ચાલ
દુનિયાનો આખરી નિર્ણય
આપણે સંભળાવી દઈએ.

૪.
મારી જીદની દુનિયામાં ચર્ચા છે.
થયું કંઇ નહિ,
મેં સત્યને માત્ર સાચું કહ્યું છે.

૫.
મેળામાં ભીડ,
ઉમટે છે,
વિખેરાય છે,
પાછી વળી જાય છે, ભગ્ન અવશેષો છોડીને ..
તારા કોલની માફક...

૬.
આ શહેરની દોસ્તી
તારા કોલ જેવી છે.
કાંઇપણ કારણ વગર જન્મે છે,
ક્યારેય મરતી નથી,
પરંતુ
કમબખ્ત નિભાવી પણ શકાતી નથી.

૭.
તેં જ કહ્યું હતું,
હરેક અશ્રુ દફનાવી દેજે
હું કબ્રસ્તાનમાં જ રહેવા લાગી છું,
થોડી વધુ જગ્યા કરી દો ...

(અનુવાદ : વિજયકુમાર દવે - હિન્દ યુગ્મ ડોટ કોમની સહમતિ સાથે પ્રકાશિત)

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory