કવિ શ્રી સુરેન્દ્ર કડિયાની
કેટલીક વધુ રચનાઓ આપના આસ્વાદ માટે ----
આપ તેમનો સંપર્ક kadiya@sbs.co.in પર કરી શકો છો અને
તેમની રચનાઓ વિષેના અભિપ્રાયો જણાવી શકો છો અથવા
આ રચનાઓ વિશે આપના અભિપ્રાયો Comments તરીકે પણ આપી શકો છો . . .
કવિ સુરેન્દ્ર કડિયા
ગઝલ
દોસ્ત, ભઠ્ઠી ગાળવાની નોબતો આવી
સ્વપ્ન સૌ સળગાવવાની નોબતો આવી
જળ બધું ગમગીન થઈ એવું રૂદન કરે
કે હલેસાં ખાળવાની નોબતો આવી
પંખી તો ઊડી ગયું પિંજર ત્યજી દઈને
એક પીંછું પાળવાની નોબતો આવી
મૌન તો રુઆબથી જીતી લીધું અમે
પણ શબદ સૌ હારવાની નોબતો આવી
કોઈની પીડા જરીયે લઈ શકાઈ ના
બસ, સમજ વિસ્તારવાની નોબતો આવી.
(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)
--------
ગઝલ
સાવ સૂનું ઘર અને દર્પણ વિશેની વાત છે
ભીંત પર ચડતી જતી હર ક્ષણ વિશેની વાત છે
તુંય હામાં હા મિલાવી ના શકે તો કાંઈ ના
દૂર, વાદળમાં પ્રજળતા રણ વિશેની વાત છે
મેં ઉછીની આંખ ને નજરો પરત તો દઈ દીધી
પણ ફરકતી રહી ગઈ પાંપણ વિશેની વાત છે
હું ગઝલ ને શબ્દની વચ્ચે ઘડાતો જાઉં છું
રોજ એરણ પર ઝીંકાતા ઘણ વિશેની વાત છે
એક બાળક એક ગજવું ગમ - ખુશી વેરી ગયું
હર્ષથી ભીંજાયેલા લીંપણ વિશેની વાત છે
(શ્રી સુરેન્દ્ર કડિયાની અનુમતિથી સાદર પ્રસ્તુત)
(ગુજરાતી સામાયિક "નવનીત સમર્પણ"ના
ઓગસ્ટ - ૨૦૦૭ના અંક્માં પ્રકાશિત રચના)
--------
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Friday, December 28, 2007
Posted by Vijaykumar Dave at 11:34 PM
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment