સર્જનાત્મક વિચારણાનું વિજ્ઞાન
સાયન્સ અને ટેકનોલોજી
Written by GS News
Saturday, 25 July 2009
I think, therefore I am - Raine D'kart
ઈ.સ. ૧૫૫૬ની ૩૧મી માર્ચ... ફ્રાન્સના તૂરીન પ્રદેશનું લ-હાય નામનું નાનકડું ગામ કે જ્યાં એક અદ્ભૂત વ્યક્તિત્વ પોતાના નાનકડાં મગજમાં વિશિષ્ટ કોષો લઈને જન્મ લે છે. જેના ૨૫ વર્ષ બાદ તેના મુખમાંથી ઉપર લખેલા શબ્દો સરે છે. જર્મન ભાષામાં ‘કૉજીયે ઓર્ગો સમ’ એમ ઉચ્ચારાયેલા આ શબ્દોનો અર્થ છે, ‘હું વિચારું છું, તેથી હું છું’ આ મહાન વ્યક્તિત્વ એટલે ફિલસુફી, ખગોળ અને ગણિતશાસ્ત્રની ત્રિવિધ આંતરશક્તિ ધરાવનાર જર્મન ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ રૈને દ’કાર્ત.
આ મહાન ફિલસૂફનો જન્મ થયો ત્યારે જર્મનીમાં વેટીકનના ધર્મસંસ્થાનોનું અંધાઘૂંધ વર્ચસ્વ પ્રવર્તતું હતું. આ ધર્મસ્થાનોની જાણબહાર કંઇક પણ વિચારવું અને એ વિચારોને જાહેરમાં પ્રગટ કરવા એ ધર્મગુરૂઓનો વિદ્રોહ ગણાતો. એ સમયે ‘I think, therefore I am’ કહેનારન દ’કાર્તને વિચારક્રાન્તિનો પ્રણેતા જ કહેવો પડે.
દ’કાર્તે પોતાના જીવનમાં ‘સંશય’ને એક ઉમદા ગુણ તરીકે સ્વીકાર્યો હતો. તેણે પોતાના ‘ફિલસૂફીના સિદ્ધાંતો’ નામના પુસ્તકની પ્રસ્તાવના કરતાં લખ્યું છે કે ‘‘હું સ્વતંત્ર રીતે વિચારું છું, તેથી જ હું શંકા કરું છું, તેથી જ હું પ્રશ્નો કરું છું, તેથી જ હું, ઉત્તરનો સ્વીકાર કે અસ્વીકાર કરું છું અને તેથી જ મને લાગે છે કે હું છું.’’
દ’કાર્તના મતે એ જ માણસ ખરા અર્થમાં જીવિત ગણાય કે જે બીબાંઢાળ જીવન ન જીવે, પરંતુ પોતાની સમક્ષ આવતી દરેક બાબતને ‘સંશય’ની એરણ પર ચડાવે, તર્કના ચારણે ચાળે અને પછી જો તે ખરી લાગે તો જ તેને સ્વીકારે.
પૃથ્વી પર જન્મ લેનારું પ્રત્યેક બાળક સ્વભાવગત જિજ્ઞાસુ હોય છે. પોતાની જીવનયાત્રા દરમિયાન તેનામાં રહેલી કુદરતી નિરીક્ષણ શક્તિને કારણે તેના કુમળા માનસમાં અસંખ્ય પ્રશ્નો ઊઠે છે. જે સાક્ષાત ‘પ્રશ્નોપનિષદ’નું સ્વરૂપ ધારણ કરે છે. આ પ્રશ્નો તેના ‘અન્વેષક મન’ને કારણે ઉદ્ભવે છે, કુદરતી કુતુહલવૃત્તિને કારણે ઉદ્ભવે છે. ટૂંકમાં, દરેક બાળક એક સ્વયંભૂ ‘સંશોધક’ છે તેમ કહી શકાય.
બચપણમાં પોતાના તમામ પ્રશ્નોના ઉકેલ સ્વજનો અને અન્ય લોકો પાસેથી પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતું બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ ‘સ્વતંત્ર વિચારણા’ બાબતે પણ પોતાના ‘પગભર’ થાય તે ઇચ્છનીય જ નહીં પરંતુ અનિવાર્ય ગણાય.
વિચાર એ એક ઊર્જા છે. વિચાર સર્જનાત્મક પણ હોઈ શકે અને ખંડનાત્મક પણ હોઈ શકે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ખંડનાત્મક વિચારસરણીનું જોર વધી રહ્યું છે ત્યારે દેશના ભાવિ નાગરિકો એવા બાળકોને સર્જનાત્મક વિચારોની દુનિયામાં ‘વિચરતા’ કરવા એ પ્રવર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. હવે પ્રશ્ન એ થાય કે આ સર્જનાત્મક વિચારણા તેમનામાં વિકસાવવી શી રીતે?
તો આવો, વિચાર પ્રક્રિયાને જરા મનોવૈજ્ઞાનિક રીતે સમજવા પ્રયત્ન કરીએ...
મનુષ્ય સતત જે પ્રકારના સામાજિક પર્યાવરણમાં પોતાનું જીવન વ્યતિત કરતો હોય, તેના સતત સંપર્કમાં મનુષ્યને થતી કોઈપણ સંવેદના કે અનુભવ તેના માનસપટ પર કોઈક મનોવ્યાપાર જન્માવે છે, જે જ્ઞાનમાં પરિણમે છે. જેમ કે, પર્યાવરણના સંપર્કમાં ઠંડી કે ગરમીનો અનુભવ થતાં માણસે ઠંડી-ગરમીથી રક્ષણ મેળવવાના ઉપકરણો શોઘ્યા તે વિચારણાનું પરિણામ છે.
વિચારની પ્રક્રિયા દ્વારા વ્યક્તિના માનસપટ પર વ્યક્તિ, વસ્તુ કે ઘટનાનું એક માનસિક રૂપ ઊભું થાય છે. એ માટે જરૂરી નથી કે તે વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનું અસ્તિત્ત્વ હોવું જ જોઈએ! જેમ કે, વિચાર તો ‘ઊડતી માછલી’નો પણ કરી શકાય અને ‘હવામાં તરતા માણસ’નો પણ કરી શકાય. જેને કારણે જ બાળકો માટેની ઍનીમેશન ફિલ્મોનો આવિષ્કાર થયો છે. ટૂંકમાં, પ્રત્યક્ષની ગેરહાજરીમાં પણ વ્યક્તિ, વસ્તુ કે ઘટનાના સંબંધમાં માનસપટ પર આકાર લેતી કાલ્પનિક પ્રતિમા એટલે વિચાર. માનવ બાળમાં વિચાર પ્રક્રિયા પ્રથમ મૂર્ત સ્વરૂપથી શરૂ થઈ, ધીમે ધીમે અમૂર્ત સ્વરૂપમાં થઈ નવી નવી શોધખોળો સુધી પહોંચી શકે છે. વૈજ્ઞાનિક ઢબે અપાતું વિચારશિક્ષણ માણસને કોઈ સમસ્યાના ઉકેલ માટે, પ્રસંગ કે ઘટના પાછળનું રહસ્ય જાણવા માટે તથા નવસર્જન કે આવિષ્કાર માટે ઉપયોગી નીવડે છે. વ્યક્તિ દિવસ દરમ્યાન નિરર્થક વિચારો તો ઘણાં કર્યા કરે છે.
પરંતુ બાળકોમાં નાનપણથી જ વિચારપ્રક્રિયા કોઈ ઘ્યેયના સંદર્ભમાં વિકસાવી શકાય તો જ સર્જનાત્મકતાને વેગ આપી શકાય. આ માટે બાળકોને પ્રત્યેક બાબત અંગે સંશય કે પ્રશ્ન ઉઠાવવાની તાલીમ આપવામાં આવે, વિચારવાની યોગ્ય દિશા, પ્રતીકો કે સંકેતો, પ્રતીમા સર્જન, સ્મૃતિ વગેરેની મદદ લેવામાં આવે તો બાળકમાં રહેલી મૂળભૂત સંશોધનવૃત્તિને પ્રોત્સાહન મળે અને એ દ્વારા તેની ગર્ભિત શક્તિઓને જરૂર બહાર લાવી શકાય.
પ્રતીકો અને સંકેતોને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ તો... શબ્દ સાંભળતાની સાથે જ જે તે ચીજવસ્તુના લક્ષણોની સ્મૃતિ આપણાં મનમાં ઊભી થાય છે. ઘણીવાર તે સાચી ન હોવા છતાં સાચી હોવાની અનુભૂતિ થાય છે. જેને ‘પ્રતિમા’ (ૈંસચયી) કહેવાય. જેમ કે, ‘પાંખોવાળો ઘોડો’ એમ વિચારતાની સાથે જ આપણાં મનમાં ‘પાંખોવાળા ઘોડા’ની પ્રતિમા રચાય છે. આ રીતે દરેક સંવેદના આપણા મનમાં એક વિશિષ્ટ ભાત ઉપસાવે છે.
આ થઈ ‘દ્રશ્ય પ્રતિમા’. અવાજ સાથે સંબંધિત પ્રતિમા એ ‘શ્રવણ પ્રતિમા’ છે. જેમ કે, પ્રિય વ્યક્તિના મૃત્યુ બાદ ક્યારેક તેના અવાજની ઝાંખી થાય છે. જે ‘શ્રવણ પ્રતિમા’ને કારણે છે. ‘પાંઉભાજી’ શબ્દના ઉચ્ચારણ સાથે ‘સ્વાદ પ્રતિમા’ રચાય છે, તો ‘ગુલાબનું ફૂલ’ બોલતાની સાથે જ ‘ગંધ પ્રતિમા’ માનસપટ પર ઉપસે છે.
વસ્તુની ગેરહાજરીમાં એ વસ્તુ વિશે આપણે સાંભળીએ ત્યારે જે તે વસ્તુની સ્મૃતિ પેદા કરી આપે તે ‘પ્રતીક’ કે ‘સંકેત’ છે. આવા સંકેતો, પ્રતીકો કે પ્રતીમાઓની મદદથી જ આપણા મનમાં અદ્રશ્ય મનોવ્યાપાર (વિચાર) ચાલ્યા કરે છે. હવે જો આ અદ્રશ્ય મનોવ્યાપારો નવા આકાર ધારણ કરી શકે, જુદી જુદી કાલ્પનિક પ્રતિમાઓ પર નવી વિચારણાના નવા સંબંધો ક્રમશઃ ગોઠવાતા રહે તો વ્યક્તિ નવસર્જન કે નવા આવિષ્કાર કરી શકે. જેમ કે, વારંવાર ટોસ્ટર સેન્ડવીચ બનાવતા બનાવતા બ્રેડની ગેરહાજરીમાં એક દિવસ ઠંડી રોટલીનો ઉપયોગ કરીને કોઈ ગૃહિણી ‘ચપાટી સેન્ડવીચ’નો આવિષ્કાર કરી બેસે તે સર્જનાત્મક વિચારણા છે.
આવી સર્જનાત્મકતા વિચારણા માટે જરૂરી છે, પૂર્વ અવલોકન, ચિંતન, અંતઃસ્ફૂરણા તથા સ્મૃતિ. જ્યારે વ્યક્તિ સમક્ષ કોઈ સમસ્યા ઉદ્ભવે ત્યારે ખૂબ ચિંતન કરી, તે પોતાની સ્મૃતિમાં રહેલી એક પછી એક અનુભવ પ્રતિમાઓને એકબીજા સાથે બંધબેસતી ગોઠવી અને અંતઃસ્ફૂરણા દ્વારા એક નવી ‘ભાવ પ્રતિમા’નું સર્જન કરે છે જે આવિષ્કાર કે નવી શોધ રૂપે પ્રગટ થાય છે.
આવી સર્જનાત્મક વિચારણા બાળકોમાં વિકસાવવા માટે ‘બ્રેઇન સ્ટોર્મિંગ’નો આઘુનિક ખ્યાલ ખૂબ ઉપયોગી થઈ શકે.
‘બ્રેઇન સ્ટોર્મિંગ’ એ અંગ્રેજી ભાષાનો સમાસ છે, જે ગુજરાતીમાં જેમનો તેમ સ્વીકારી લેવામાં આવ્યો છે.
માનવ મગજ કોઈપણ પરિસ્થિતિમાં મુખ્યત્વે બે રીતે વર્તે છે. એક, તે માહિતી ગ્રહણ કરે છે અને બીજું, તે પ્રત્યાઘાત આપે છે. માહિતી ગ્રહણ કરીને જાત સાથેના સંવાદથી ‘ચિંતન’ વિકસાવી શકાય જ્યારે પ્રત્યાઘાત દ્વારા અન્ય સાથેના સંવાદથી ઊભી થનાર વિવાદની શક્યતા દ્વારા મગજને વઘુ સતેજ બનાવી શકાય. અન્ય સાથેની તંદુરસ્ત ચર્ચા મગજને વઘુ સતેજ બનાવે છે અને આવું ઉત્તેજિત મગજ વઘુ ઉમદા વિચારો પેદા કરી શકે છે. કોઈ મુદ્દા પર સામુહિક ચર્ચા દરમિયાન સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થતાં એક કરતાં વઘુ ઉત્તેજિત મગજો અકલ્પનીય વિચારોને પ્રગટાવી શકે છે જેના ફળ સ્વરૂપે ચર્ચામાં સંલગ્ન પ્રત્યેક વ્યક્તિને નવો રાહ મળે છે. આ પ્રક્રિયા ‘બ્રેઇન સ્ટોર્મંિગ’ તરીકે ઓળખાય છે. ટૂંકમાં બ્રેઈન સ્ટોર્મંિગ એટલે ‘ચર્ચા અથવા પરિસંવાદ દ્વારા નિશ્ચિત મુદ્દા પર જુદા જુદા લોકોની બૌદ્ધિક શક્તિને કામે લગાડીને તે મુદ્દા અંગે શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત કરવા.’ જેવી રીતે ગામડાની નારી છાશમાંથી માખણ તારવવા માટે ઘમ્મર વલોણાને બે વિરૂદ્ધ દિશામાં ફેરવી છાશના કણેકણમાં તોફાન (સ્ટ્રોમ) પેદા કરી માખણ તારવે છે તેમ બ્રેઇન સ્ટોર્મંિગ દ્વારા માનવ મગજોમાં ‘વિચારોનું તોફાન’ પેદા કરી ‘સર્જનાત્મક વિચાર’ પેદા કરી શકાય છે.
સમાજમાં બાળકને ઉઠતા વિવિધ પ્રશ્નોનાં રેડીમેઇડ ઉત્તરો આપી દેવાને બદલે તેને ઉત્તરો જાતે શોધવા પ્રોત્સાહન આપવું ઇચ્છનીય છે. તે સમસ્યાનો અનુભવ કરે, તેને પ્રશ્નો ઉદ્ભવે, તેનો ઉકેલ શોધવા ખાંખાંખોળા શરૂ થાય, જવાબો શોધાય, જવાબમાં સંશય ઊભો થાય, ફરીથી વિચારણા શરૂ થાય, ઉકેલ મેળવાય... આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વડિલો મૂક પ્રેક્ષક ન બની રહે પરંતુ ‘દીવાદાંડી’ની ગરજ સારે તો ભવિષ્યમાં આપણે વિચારવાન નાગરિકો પામી શકીશું. એક શિક્ષક કે વાલી બહુ મોટી ક્રાન્તિના ખ્યાલો છોડી પોતાના વર્ગ કે ઘર પૂરતી વિચારક્રાન્તિ લાવી શકે, બાળકને વિચારતા શીખવી શકે, દ’કાર્તની માફક ‘સંશયાત્મા’ બનાવી શકે તો જરૂરથી શિક્ષણકર્મ મહાનતાને સ્પર્શી શકે. વર્ષો જૂના ગાઢ અંધકારને દૂર કરવા શું એક દીપક પૂરતો નથી?
અંતે... વર્જિલ નામના લેટિન કવિના શબ્દોમાં કહું તો...
We can, If we think that we can
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Monday, August 3, 2009
સર્જનાત્મક વિચારણાનું વિજ્ઞાન
Posted by Vijaykumar Dave at 2:29 PM
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment