આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Wednesday, August 12, 2009

આઝાદીના એનેકડોટ્સ

આઝાદીના એનેકડોટ્સ
કાના બાંટવા
Wednesday, August 12, 2009 23:42 [IST]ત્રણ દિવસ પછી આવનાર ઇન્ડિપેન્ડન્સ ડે ભારતનો કેટલામો સ્વાતંત્ર્યદિન છે. ત્યારે, ૧૯૪૭ની પંદરમી ઓગસ્ટની અડધી રાતે મળેલી આઝાદીની આજુબાજુ વણાયેલી કેટલીક ઘટનાઓના રસપ્રદ એનેકડોટ્સ...

હિન્દુસ્તાનને આઝાદ કરવા આડે માત્ર ૩૮ દિવસ બાકી હતા ત્યારે ઇંગ્લેન્ડથી સિરિલ રેડકિલફ નામના એક જજને હિન્દુ અને મુસ્લિમની વસ્તીના ધોરણે હિન્દુસ્તાનના ભાગલા પાડવા માટે મોકલવામાં આવ્યા હતા. રેડકિલફે તે વખતના વાઇસરોય હાઉસ અને આજના રાષ્ટ્રપતિ ભવનની પાછળના કવાર્ટરમાં બેસીને માત્ર ૯૦૦ કલાકમાં હિન્દુસ્તાનને ત્રણ ટુકડામાં વેતરી નાખ્યું હતું. મજાની વાત તો એ છે કે રેડકિલફનું ભારત વિશેનું જ્ઞાન ઝીરો હતું અને અગાઉ તેઓ હિન્દુસ્તાન આવ્યા નહોતા.


ભારત અને પાકિસ્તાન બંને બાખડતાં રહે તે રીતે નકશા ઉપર લાલ લીટીથી સરહદ દોરીને સિરિલ રેડકિલફે ભારત-પાકિસ્તાનની માત્ર ભૂગોળ જ નહોતી બદલી, ઇતિહાસ અને ભવિષ્ય પણ બદલી નાખ્યું હતું. પંજાબ પ્રાંતના બે ટુકડા જે રીતે કરવામાં આવ્યા તેને કારણે આઝાદી પછી લોહિયાળ હિજરત થઇ અને લગભગ ૨૦ લાખ જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા. પૂર્વ અને પિશ્ચમ પાકિસ્તાનમાંથી કુલ પોણો કરોડ હિન્દુઓ અને શીખો ભારતમાં આવ્યા તેની સામે ૩૦ લાખ મુસ્લિમો ભારતમાંથી પાકિસ્તાન ગયા.


કત્લેઆમમાં પાકિસ્તાને કાળો કેર વર્તાવ્યો હોવા છતાં અને જાતિવાદના ધોરણે હિન્દુઓ અને શીખોને રીતસર હાંકી કાઢયા હોવા છતાં ૧૯૪૭ની ૩૦મી સપ્ટેમ્બરે જવાહરલાલ નહેરુએ ભાષણ કરતાં કહ્યું હતું કે વિદેશોના પ્રવાસો દ્વારા હું ત્યાંના લોકોના સંપર્કમાં રહી શકું છું. હવે હું વિદેશયાત્રાએ જઇ શકીશ નહીં કારણ કે ભારતનું નામ હિંસાના કાદવથી ખરડાયું છે, હવે હું વિદેશી લોકો સામે ચું મસ્તક રાખીને વાત કઇ રીતે કરી શકું?’ ભારતનો વડોપ્રધાન પોતે ઊઠીને હિંસા માટે ભારતને જવાબદાર ઠરાવે એ કેવું?


આ એ જ નહેરુ હતા જેમણે આઝાદ ભારતને ફરી ગુલામ બનાવતું એક પગલું લીધું હતું. બન્યું હતું એવું કે ભાગલા પછી ફાટી નીકળેલી હિંસાથી રઘવાયા થયેલા નહેરુએ સિમલામાં રજા ગાળી રહેલા વાઇસરોયને તરત પાછા ફરવાનો સંદેશો મોકલ્યો. માઉન્ટબેટને તે પછીની ઘટનાઓ અંગે લખ્યું છે. ‘આઝાદીના ત્રણ જ અઠવાડિયાં થયાં હતાં અને દિલ્હી પાછા ફરતાં જ નહેરુએ વિનંતી કરી કે પ્લીઝ, તમે દેશનો ચાર્જ સંભાળી લો,


તમે જેમ કહેશો તેમ અમે કરીશું.’ અને સ્થિતિને પહોંચી વળવા માટે બનાવાયેલી ઇમરજન્સી કમિટીના અઘ્યક્ષ તરીકેનો હોદ્દો લોર્ડ માઉન્ટબેટનને આપી દેવામાં આવ્યો. માઉન્ટબેટને તે અંગે નોંઘ્યું છે ‘વાઇસરોય તરીકે મને જે સત્તા નહોતી મળી એટલી સત્તા મને સોંપી દેવામાં આવી હતી’ અને એ જ માઉન્ટબેટને કાશ્મીરમાં લશ્કર મોકલવામાં મોડું કરાવ્યું હતું અને ભારતે કાશ્મીર ગુમાવ્યું હતું. સરદાર પટેલે કાશ્મીર અંગે ટકોર કરી ત્યારે માઉન્ટબેટને રોકડું પરખાવ્યું હતું કે ‘તમારે મને દેશ ચલાવવા દેવો છે કે નહીં?’


ભારતના ભાગલા તો મોહમ્મદ અલી ઝીણા અને અંગ્રેજૉની મરજી મુજબ ૧૯૪૭ની શરૂઆતમાં જ નક્કી થઇ ગયા હતા. અલગ પાકિસ્તાનનાં વિચારબીજ અને ‘સારે જહાં સે અરછા હિન્દોસ્તાં હમારા’ ગીત વરચે કોઇ સામ્ય તમને દેખાય છે, પ્રિય વાચક? ના? રીડરજી, આ સદાબહાર ક્રાંતિગીતના રચયિતા ઇકબાલે જ સૌ પ્રથમ વખત પાકિસ્તાન નામનો દેશ રચવાનું સૂચન ૧૯૩૦માં મુસ્લિમ લીગના અધિવેશનમાં કર્યું હતું. ત્યારે ઇકબાલ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. ઇકબાલનાં સપનાંને ઝીણાએ સાકાર કર્યું.


અંગ્રેજૉને ભાગલા ઉતાવળે પાડવામાં રસ હતો કારણ કે તો જ અંધાધૂંધી સર્જાય. ઝીણાને બીજી ઉતાવળ હતી. તેને ટીબી હતો અને પોતે હવે લાંબું જીવવાના નથી એ જાણી ગયા હતા. ભાગલા પહેલાં કેટલાક લોકોએ માઉન્ટ બેટનને કહ્યું હતું કે થોડા સમય રાહ જુઓ, આઝાદી મોડી આપશો તો વિભાજન રોકી શકાશે. ઝીણા જ નહીં હોય તો અલગ પાકિસ્તાનની માગણી નબળી પડી જશે પણ, માઉન્ટ બેટન અખંડ ભારત ઇરછતા જ નહોતા.


૩૧મી મે ૧૯૪૭ના રોજ ગાંધીજીએ પ્રાર્થનાસભાના ભાષણમાં કહ્યું હતું, ‘ભારત આખું ભડકે બળે તો પણ પાકિસ્તાનના સર્જનને મારી મંજૂરી નથી. મુસ્લિમો તલવારની અણીએ પાકિસ્તાન માગે તો પણ તેમને આપી શકાય નહીં.’ ભાગલા સામે ગાંધીજીનો વિરોધ હોવાને કારણે નહેરુ કે સરદાર તે મુદ્દે ગાંધીજી સાથે બહુ ચર્ચા નહોતા કરતા અને કોંગ્રેસ ઉપર એકચક્રી શાસન ચલાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીએ ભાષણમાં કહેવું પડયું,


‘કોંગ્રેસ જે નક્કી કરશે એ જ થવાનું છે. મારું કશું ચાલતું નથી. હું તો અરણ્યરુદન કરી રહ્યો છું. બધાએ મને તરછોડી દીધો છે.’ આ જ ગાંધીજી ભાગલા વખતે પૂર્વ સરહદે રહ્યા અને પિશ્ચમ સરહદ જેવી હિંસાને આ એકલો માણસ રોકી શકયો, ત્યારે લોર્ડ માઉન્ટબેટને કહ્યું હતું, ‘પૂર્વ સરહદે વન-મેન બાઉન્ડ્રી ફોર્સ છે, જેણે હિંસાને રોકી છે.’ આ વન-મેન બાઉન્ડ્રી ફોર્સનો એકમાત્ર સૈનિક એટલે મહાત્મા ગાંધી.


હવે વાચકને બીજો પ્રશ્ન: જે માણસે ભારતની આઝાદી માટે જીવતર ઘસી નાખ્યું હોય, આખો દેશ જેને સર્વમાન્ય એકમાત્ર નેતા માનતો હોય તે વ્યકિત ૧૫મી ઓગસ્ટે ભારતને આઝાદી મળી ત્યારે કયાં હોવો જોઇએ? દિલ્હીમાં સ્વાતંત્ર્યની ઉજવણીના માહોલમાં દેશવાસીઓ અને વિશ્વના અભિનંદન ઝીલતો હોવો જૉઇએ ને? મહાત્મા ગાંધી નામનો એ માણસ ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પિશ્ચમ બંગાળના એક નાનકડા ગામડામાંના એક ઝૂંપડામાં બેઠો હતો.


બીજી બાજુ મોહમ્મદ અલી ઝીણા હતા જેનું એકમાત્ર ઘ્યેય પાકિસ્તાનનું સર્જન કરવાનું હતું. આઝાદી પછી ભારતના વિદેશ પ્રધાન બનેલા મોહમ્મદ કરીમ ચાગલાએ ભાગલા પહેલાં ઝીણાને કહ્યું હતું, તમે મુસ્લિમ બહુમતી વડે પાકિસ્તાન બનાવવા માગે છો પણ ઉત્તરપ્રદેશ વગેરે વિસ્તારોમાં મુસ્લિમો લઘુમતીમાં છે છતાં સંખ્યા ઘણી મોટી છે તેમનું શું થશે? ઝીણાએ જવાબ આપ્યો હતો કે તેઓ તેમનું ફોડી લેશે.


અત્યારે ભારતના વડાપ્રધાન અને વિપક્ષના નેતા બંનેએ ભાગલાની યાતનાઓ વેઠી છે. છતાં બંનેની વિચારસરણી એકદમ અલગ છે. ડૉ. મનમોહનસિંહનો પરિવાર લાહોરથી ભાગીને ભારત આવ્યો હતો. લાલકૃષ્ણ અડવાણી પહેરેલે કપડે ભારત પહોંચ્યાં હતા. અડવાણીએ ઝીણાને બિન સાંપ્રદાયિક ગણાવ્યા હતા ત્યારે શરૂ થયેલો વિવાદ આજે વર્ષોપછી પણ પૂરેપૂરો શમ્યો નથી, પણ ઝીણાની તરફેણમાં એટલું કહેવું પડે કે પાકિસ્તાનની બંધારણ સભાની પ્રથમ બેઠકમાં ઝીણાએ કહ્યું કે, ‘આજથી તમે મસ્જિદમાં કે મંદિરમાં કે ગમે તે ધર્મસ્થાનમાં જવા માટે મુકત છો. તમારા ધર્મ કે નાત-જાત સાથે પાકિસ્તાનની સરકારને કશું લાગતું વળગતું નથી.’ મજાની વાત એ છે કે ઝીણાના આ શબ્દો અત્યારે પાકિસ્તાનની સરકારે ઇતિહાસમાંથી કઢાવી નાખ્યા છે.


સારે જહાં સે અરછા હિન્દોસ્તાં હમારાના લેખક ઇકબાલને પાકિસ્તાને રાષ્ટ્રકવિનું બિરુદ આપ્યું અને લાહોર નજીકની તેની મઝાર પર બારેમાસ સંત્રીઓ એટેન્શનમાં ભા રહે છે. ભારતના રાષ્ટ્રગીતની પસંદગી કંઇ રીતે થઇ? જે ગીતે આખા ભારતને એકસૂત્રે બાંઘ્યું હતું તે ગીત તો વંદે માતરમ્ હતું. આઝાદીનું આ અનઓફિશિયલ રાષ્ટ્રગીત હતું. છતાં, માતૃવંદનાના નામે મુસ્લિમોએ તેનો વિરોધ કર્યોઅને પહેલેથી જ મુસ્લિમ આળપંપાળના વાઇરસ જેમના લોહીમાં છે એવી ભારતીય નેતાગીરીએ ઇંગ્લેન્ડના રાજા પંચમ જયોર્જની ભાટાઇ માટે રવીન્દ્રનાથ ટાગોરે લખેલાં મહાકાવ્યમાંથી એક ટુકડો ઉપાડીને તેને રાષ્ટ્રગીત તરીકે પસંદ કર્યું.


આપણા જનગણ મન... રાષ્ટ્રગીતમાં ભારત ભાગ્ય વિધાતા... એવા શબ્દો છે એ ભારત ભાગ્ય વિધાતા એટલે કોણ? ઇંગ્લેન્ડનો રાજા પંચમ જયોર્જ જ. છતાં આપણે એ ગીતને રાષ્ટ્રગીત બનાવ્યું જયારે પાકિસ્તાને શું કર્યું જાણો છો? ઇકબાલે પાકિસ્તાનની રચનાની પ્રથમ ઇંટ મૂકી હોવા છતાં તેના ગીતમાં હિન્દુ હૈ હમ શબ્દ હોવાના એકમાત્ર કારણસર પાકિસ્તાને તેને રિજેકટ કર્યું, ઇકબાલે પોતે છઠ્ઠી પંકિતમાં હિન્દુ હૈ હમને બદલીને ‘મુસ્લિમ હૈ હમ, વતન હૈ પાકિસ્તાન’ એવો સુધારો સ્વહસ્તે કર્યો, છતાં એ જ ગીત જયારે કોંગ્રેસના અધિવેશનોમાં, આઝાદી પહેલાં ગવાતું ત્યારે કોંગ્રેસીઓ સાંપ્રદાયિક ગણાવાની બીકે હિન્દુ હૈ હમ ગાવાને બદલે હિન્દી હૈ હમ ગાતા હતા. આ ભારતીય માનસિકતા છે. છતાં, મારી પ્રિય આઝાદીને બાસઠમા વર્ષના આરંભે સો સો સલામ, એટેન્શન પ્લીઝ.

No comments:

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory