આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Friday, January 1, 2010

વિધાનસભામાં સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદનો શિક્ષિત- સંસ્કારી, સમૃદ્ધ ને સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ








વિધાનસભામાં સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદનો
શિક્ષિત- સંસ્કારી, સમૃદ્ધ ને સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ


ગાંધીનગર, શુક્રવાર


આજે ગુજરાત વિધાનસભામાં મળેલી ઐતિહાસિક સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદમાં સર્વપક્ષીય સંકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો ‘‘આજે આ ઐતિહાસિક સભાગૃહ ઠરાવ કરે છે કે, અમે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના વર્તમાન અને ભૂતપૂર્વ સૌ જનપ્રતિનિધિઓ, ગુજરાતના સ્વર્ણિમ જયંતી વર્ષને એક અદ્વિતીય તક ગણીને રાજ્યનો સર્વાંગી, સાર્વદેશિક, સર્વ સમાવેશ વિકાસ માટે અમે સમર્પિત થઈએ છીએ. આ સંકલ્પ દ્વારા આપણે શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ, વૈશ્વિક સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણનો સંકલ્પ લઈએ છીએ.’’

ગુજરાતની પ્રગતિ ૫૦ વર્ષોના સહિયારા પુરુષાર્થનો પરિપાક બધા જ મુખ્યમંત્રીઓનો ઋણ સ્વીકાર ઃ મોદી, મુખ્યમંત્રીએ રજૂ કરેલા સંકલ્પને માધવસિંહ, કેશુભાઈ, અડવાણી અને દિનશાનું સમર્થન

ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતા હોઈ ગુજરાત વિધાનસભામાં ૧૯૬૦થી આજદિન સુધીના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોની પરિષદ યોજવામાં આવી હતી.

રાજ્યપાલ ડો. કમલાજીની અઘ્યક્ષતામાં મળેલી આ પરિષદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, કેશુભાઈ પટેલ, પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, રાજ્યસભામાં વિપક્ષી નેતા અરૂણ જેટલી, કેન્દ્રીય મંત્રીઓ દિનશા પટેલ, ભરત સોલંકી અને તુષાર ચૌધરી, પ્રદેશ ભાજપ પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલા તથા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ઉપરાંત પૂર્વ ગવર્નર વીરેન્દ્ર શાહ અને કુમુદબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા.

૫૭૫ જેટલા પૂર્વ અને વર્તમાન સભ્યોની હાજરીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંકલ્પ રજૂ કર્યો હતો. તેમના પ્રવચનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ંકે, ‘‘ગુજરાતનો વિકાસ એ કોઈ એક સરકારના કારણે શક્ય નથી. ડો. જીવરાજ મહેતાથી લઈને તમામ મુખ્યમંત્રીઓએ ગુજરાતના વિકાસ માટે પોતાનું યોગદાન આપ્યું છે. ગુજરાતને વિકસિત બનાવવા માટેનો મજબૂત પાયો નાખ્યો છે. ગુજરાતની પ્રગતિ આજે જે દેખાય છે તેમાં ૫૦ વર્ષો સુધીના સૌના સહિયારા પુરુષાર્થ અને પરિશ્રમનો પરિપાક છે. મારા માટે બધા જ મુખ્યમંત્રીઓના ઋણ સ્વીકારનો આ અવસર છે.

તેમણે જણાવ્યું હતું કે, પર સેવા માટે પરસેવો પાડે એ ગુજરાતી માત્ર ગુજરાતમાં જ નહિ પણ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓએ સદા કાળ ગુજરાત ખડું કર્યું છે. એકવીસમી સદીમાં આપણો સંકલ્પ એ હોય કે આખું વિશ્વ ગુજરાતને પોતાનું ઘર બનાવે.’’

વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે સંકલ્પને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ‘૫૦ વર્ષમાં ગુજરાતે ઘણા તડકા- છાયડા જોયા છે અનેક આપત્તિઓનો સામનો કરવામાં ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓ અભિનંદનને પાત્ર છે. સાડા પાંચ કરોડ ગુજરાતીઓ ગુજરાતમાં રહેતા અને ૧ કરોડ ગુજરાતીઓ વિશ્વનાં દેશોમાં રહીને પણ ગુજરાતની આપત્તિ સમયે હરહંમેશ મદદ કરવા તત્પર રહ્યા છે.

ગુજરાતીઓ ગુજરાતના પ્રશ્ને હંમેશા એક રહ્યા છે. નર્મદા વિરોધીઓનો સામનો કરવામાં મજદૂર હોય કે ઉદ્યોગપતિ, સંત હોય કે ફકીર સહુ કોઈએ તેમને ભગાવ્યા હતા. યશ કોને મળે છે એ જરૂરી નથી, ગુજરાત યશસ્વી બને એ મહત્ત્વનું છે. ગુજરાત આપણા થકી નથી, પણ ગુજરાત થકી આપણે છીએ. સ્વર્ણિમ વર્ષમાં ઝુપડામાં બેઠેલાના એક પણ દુઃખી જોઈને આપણી આંખ ભીની થાય એવો સંકલ્પ આપણે કરવો જોઈએ.’

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતની ભૂમિમાં એવો પ્રાણ છે કે આપણે આ ભૂમિ માટે ગૌરવ લઈ શકીએ છીએ. મહાભારત કાળમાં કૃષ્ણ એ પણ મથુરાની રાજધાની છોડીને ગુજરાત પસંદ કર્યું હતું અને દ્વારકામાં રાજધાની સ્થાપી હતી. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાં સહુથી મોટું યોગદાન છે એ ગાંધીજીએ પણ ગુજરાતમાં જ જન્મ લીધો. દેશની એકતા માટે ગૌરવભેર નામ લેવાય છે એ સરદાર પટેલ ગુજરાતના, પાર્લામેન્ટમાં પ્રથમ સ્પીકર માવલંકર દાદા ગુજરાતના અને પાકિસ્તાનના પ્રથમ પ્રમુખ ઝીણા પણ ગુજરાતમાં જન્મ્યા હતા.’

તેમણે જણાવ્યું હતું કે, ‘પક્ષાપક્ષીથી પર રહીને ગુજરાતના વિકાસની ભાવના રાખીશું તો ન કલ્પ્યો હોય એવો વિકાસ કરી શકીશું. મુખ્યમંત્રીની ભાવનાઓ સાથે સંમત થાવ છું.’

કેશુભાઈ પટેલે સમર્થન આપતા જણાવ્યું કે, ‘સંસ્કારી ગુજરાત બનાવવાનું કામ એકલી સરકારનું નથી. જ્યાંથી સંસ્કારના ઝરણા નીકળે છે એ બધા જ ઝરણાઓને એકત્ર કરવા પડશે.’

લોકભાગીદારીથી વિકાસ કરવો હોય તો લોકભાગીદારી માટે પ્રથમ લોકચેતનાની જરૂર પડશે. આ કામ અહીં એકત્ર થયેલા લોકપ્રતિનિધિઓએ કરવું પડશે.

તેમણે સૂચવ્યું હતું કે, ગુજરાતના મહત્ત્વના બે-પાંચ પ્રશ્નો અલગ તારવીને આ પ્રશ્નોમાં કોઈ રાજકારણ નહી પણ એ ભાવનાથી પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને એક થઈને કામ કરવું પડશે.

લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગરના પ્રતિનિધિ તરીકે તમામને આવકારી જણાવ્યું હતું કે, ગુજરાતની સુવર્ણ જયંતિ નિમિત્તે આજે જ કાર્યક્રમનું આયોજન થયું છે, તે તમામ રાજ્યો માટે પ્રેરણાદાયી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે આજે જે ઉંચાઈ હાંસલ કરી છે તે કોઈ સરકારોના કારણે નહી પરંતુ ગુજરાતની જનતાના કારણે છે. ગુજરાતીઓની આગવી સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય દેશ અને વિદેશમાં થયો છે.

તેમણે માધવસિંહની વાતને ટાંકીને જણાવ્યું કે જ્યારે કૃષ્ણ મથુરાથી ગુજરાતને પસંદ કર્યું એવું વિધાન થયું ત્યારે મને પણ મારું સ્મરણ તાજું થયું. મારા પિતાએ પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ગુજરાતને પસંદ કરી કચ્છમાં સ્થાયી થયા હતા.

તેમણે કહ્યું કે આજે ભલે નંબર વન માટે વિવાદો ચાલતા હોય, તેમાં આપણે ન પડીએ તો પણ દરેક ગુજરાતી એક ડગલું આગળ વધે તો ગુજરાતના વિકાસની ગતિને કોઈ રોકી શકશે નહિ.

કેન્દ્રીય રાજ્યમંત્રી દિનશા પટેલે સંકલ્પને સમર્થન આપવાની સાથે જણાવ્યું હતું કે કલાપીની એક પંક્તિ છે કે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. ગુજરાતના વિકાસની કેડી કંડારવી હશે તો ઝુંપડામાં બેઠેલાને વિકાસની દિશા બતાવવાની જવાબદારી અહીં જે બેઠા છે તેમની છે. ઇન્દુ ચાચાના સાદગી- સત્યના વિચારો અપનાવવા પડશે. સાથોસાથ વહીવટની સ્વચ્છતા, નાના માણસનો વિચાર કરો એવા ઇન્દુ ચાચાના વિચારોને યાદ રાખવા પડશે. ગુજરાત ૧૮ હજાર ગામડાથી બનેલું છે ત્યારે ગામડા તરફ નજર રાખવી પડશે. વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ૨૦૧૦ની પહેલી તારીખે આપણે સૌ ગુજરાતના ઇતિહાસની સોનેરી ક્ષણોમાં મળી રહ્યા છીએ. ગુજરાતની નીતિ નિર્ધારક જનપ્રતિનિધિઓના આ સભા એક રીતે લોકતાંત્રિક પરંપરાઓમાં અનોખી છે. દુનિયાના ઇતિહાસમાં પ્રજાનો અવાજ રજૂ કરતા જનપ્રતિનિધિઓ જ્યારે એક સાથે સંકલ્પ કરે છે ત્યારે તેના અદ્વિતીય પરિણામો મળ્યા છે. આ પ્રસંગે ‘સ્વર્ણિમ ગુજરાત સંસદીય સ્મૃતિકા- ૨૦૧૦’ પુસ્તકનું રાજ્યપાલ ડો. કમલાજીએ વિમોચન કર્યું હતું

1 comment:

Anonymous said...

nice blog.
www.agravatvimal.wordpress.com

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory