આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Wednesday, August 12, 2009

સ્વાઇન ફલૂ રોકવા કયું માસ્ક અસરકારક ?

સ્વાઇન ફલૂ રોકવા કયું માસ્ક અસરકારક ?
Bhaskar News, AhmedabadWednesday, August 12, 2009 02:37 [IST]

ગુજરાતમાં સ્વાઇન ફલૂનો ખોફ ચારે તરફ ફેલાયો છે. લોકોએ બજારમાં માસ્ક ખરીદવા રીતસર દોટ મૂકી છે, પરંતુ કયાં માસ્ક સ્વાઇન ફલૂને રોકે છે તે અંગે તબીબો સાથેની વાતચીત બાદ મેળવેલી માહિતી અત્રે પ્રસ્તુત છે.
ફેસ માસ્ક

સર્જીકલ ડેન્ટલ, મેડિકલ, પ્રોસજિર, આઇસોલેશન અને લેઝર માસ્ક તરીકે ઓળખાય છે.

ફાયદા

૧) આ માસ્ક તેને પહેરનાર વ્યક્તિના મોંઢામાંથી થૂંક બહાર ઊડતું અટકાવે છે.
૨) સ્પ્રે અથવા તો પાણીની છાલકને મોં-નાક સુધી પહોંચતી રોકે છે.

ગેરફાયદા

૧.ફેસ માસ્ક અત્યંત નાની રજકણોને શ્વાસમાં જતી અટકાવી શકતા નથી તેથી માસ્ક પહેરનારાનું પૂરેપુરું રક્ષણ થઈ શકતું નથી.

બજારમાં મળતા માસ્કની કિંમત

N૯૫ રૂ.૫૦, N૯૦૦૪ રૂ.૨૫, સાદા માસ્ક રૂ.૧૦, સૌથી મોંઘા પી.એમ. માટેના માસ્ક રૂ.૨૫૦થી વધુના હોય છે

રેસ્પિરેટર

N૯૫ અથવા હાયર ફિલ્ટરીંગ ફેસ પીસ રેસ્પિરેટર તરીકે ઓળખાય છે. સૌથી અસરકારક સાબિત થતાં રેસ્પિરેટર વાઇરસથી ભરેલા રજકણો સામે રક્ષણ આપવા સક્ષમ છે.

ફાયદા

૧) આ માસ્ક પહેરનાર વ્યક્તિને શ્વાસમાં નાની રજકણોને (જેની ઉપર વાઇરસ હોઇ શકે છે) જતાં અટકાવે છે.
૨) ૦.૩ માઇક્રોન્સ અથવા એનાથી મોટી રજકણોને શ્વાસમાં પ્રવેશતું અટકાવતું હોવાથી ટ૯૫ માસ્ક લગભગ ૯૫ ટકા સુધી અસરકારક રહે છે.

ગેરફાયદા

૧. આ માસ્ક એક જ વાર વાપરીને ફેંકી દેવા પડે છે. જેના કારણે આ ખર્ચાળ છે.

એન-૯૫ માસ્ક ન હોય તો શું કરવું?

જીવલેણ બનેલા સ્વાઇન ફલૂ સામે રક્ષણ મેળવવા માટે એન-૯૫ માસ્કની ભારે માગ થતાં બજારમાંથી મળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સ્વાઇન ફલૂના ચેપને રોકવા તબીબો દ્વારા વૈકિલ્પક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. તેનો હાથવગા સાધન તરીકે ઉપયોગ કરી શકાય.

વૈકિલ્પક માસ્ક

એન-૯૫ માસ્ક ન મળે તો ઓપરેશન થિયેટરમાં ડોકટર પહેરે છે તે ઓ ટી માસ્ક પણ પહેરી શકાય છે. તેને રોજ સવારે ગરમ પાણીથી ધોઈને ઉપયોગ કરી શકાય છે.

ફાયદા

૧) સ્વચ્છ સુતરાઉ કાપડની ત્રણ ગડી કરવાથી એચ ૧ એન ૧ના સૂક્ષ્મ વાઇરસ તેમાંથી પ્રવેશી શકતા નથી તેથી વ્યક્તિને સુરક્ષા મળે છે.

ગેરફાયદા

૧) કાપડ ખેંચાવાથી તેના રેસા પહોળા થઈ જતા હોય છે ત્યારે વ્યક્તિને ૧૦૦ ટકા સુરક્ષા ન મળે તેનો ભય રહેલો હોય છે.
૨) કાપડ સ્વચ્છ ન હોય તો તે એચ ૧ એન ૧ વાઇરસને રોકવાને બદલે અન્ય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

સ્વાઇન ફલૂમાં ભય નહીં સતર્કતા જરૂરી

૧ ) એન્ટિબાયોટિક સાબુથી સતત હાથ ધોતા રહેવા. હાથ ઝડપથી ન ધોતાં પંદર સેકન્ડ જેટલો સમય લઈને વ્યવસ્થિત હાથ ધોવા.
૨ ) રોગપ્રતિકારક શકિતને ઉત્તમ સ્તરે રાખવા આઠ કલાકની પૂરતી ઊઘ લેવી જરૂરી છે.
૩ ) શરીરમાંથી ટોકસીન બહાર ફેંકાય તે માટે આઠથી દસ ગ્લાસ પાણી પીતા રહો. આથી સાઇનસના દર્દમાં રાહત રહેશે અને શરીરમાં મોઇશ્ચર જળવાશે.
૪) શરીર તાકતવર અને સ્ફૂર્તિલું રહે તે માટે આખા અનાજનો આહાર, લીલા શાકભાજી અને વિટામિનથી ભરપુર ફળોનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવો.
૫) સરકાર તરફથી આ મહામારીને નાથવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. તમે આ દરેક પગલાં અને ગાઇડલાઇનથી માહિતગાર રહો.
૬ ) સાધારણ કસરત પ્રતિકારક શકિતને વધારશે. બ્રિસ્ક વોકિંગ કે જોગિંગ જેવી કસરતો કરવી, જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે.
૭) કફ અને છીંકથી ફલૂના વાઇરસ હવામાં ઝડપથી ફેલાય છે. આ પ્રકારની તકલીફો ધરાવનારી વ્યક્તિઓના શારીરિક સંસર્ગથી દૂર રહેવું.
૮ ) તમને કફ કે તાવની ફરિયાદ જણાય તો તાત્કાલિક તમારા ડોકટરનો સંપર્ક કરો અને તેની તમામ સૂચનાઓને અનુસરો.
૯) વગર કામે ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. શ્રાવણ માસમાં ભરાતા મોટા મેળા અને મેળાવડાથી દૂર રહેવું.

બીમાર વ્યક્તિ ખાસ ઘ્યાન રાખે

૧) શકય હોય તો અસરગ્રસ્ત વ્યક્તિથી ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું.
૨) જો દર્દી બાળક હોય અને તેના સંપર્કમાં આવવું જરૂરી હોય તો ફેસ માસ્ક કે પછી એન ૯૫ માસ્ક પહેરીને જ તેના સંપર્કમાં રહેવું.
૩) એન ૯૫ કે પછી ફેસ માસ્ક મેડિકલ સ્ટોર પર કે બિલ્ડિંગ મટિરિયલ વેચતા હોય તેવી દુકાનોઐ સરળતાથી મળી રહે છે.
૪) શકય હોય તો ઐકવાર ઉપયોગમાં લેવાયેલા ફેસ માસ્ક કે પછી એન ૯૫ રેસ્પિરેટર ત્યજી નવાનો ઉપયોગ કરવો.
૫) ફેસ માસ્ક કે પછી એન -૯૫ રેસ્પિરેટરનો ઉપયોગ કર્યા બાદ હાથ સાબુથી બરાબર ધોઈ નાખવા. (આ પ્રકારે સાવચેતી રાખવા તબીબોએ જણાવ્યું છે)

વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ શું કહે છે

શ્રીકૃષ્ણજન્મની ઉજવણી માટે ઉત્સુક સેંકડો ભાવિક ભકતોની સુરક્ષા માટે ઇસ્કોન મંદિર દ્વારા જન્માષ્ટમીએ મંદિરને સ્વાઇન ફલૂ પ્રૂફ બનાવવાનો પ્રયત્ન કરાયો છે. જે અંતર્ગત આયુર્વેદિક ધૂપ ચિકિત્સા દ્વારા ધૂપથી ભકતોને આ રોગના વિષાણુ ન ફેલાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ જશોમતીનંદનપ્રભુજીએ જણાવ્યું કે મંદિર પરિસરમાં આયુર્વેદિક ઔષધિઓનો ધૂપ કરવામાં આવશે. આ આયુર્વેદિક ઔષધિઓનો ધૂમ્ર ભકતોના શ્વાસમાં જઇ સ્વાઇન ફલૂના વાઇરસ સામે એક સુરક્ષા કવચ પૂરું પાડશે.જયારે આયુર્વેદિક ધૂપ અંગે આયુર્વેદાચાર્ય ડો.પ્રવીણભાઇ હિરપરાએ જણાવ્યું કે આ પ્રયોગ ખૂબ જ અકસીર છે.

આ ધૂપમાં તુલસીનાં સૂકાં પાંદડાં કે તેનો પાઉડર, લીમડાનાં સૂકાં પાન કે તેનો પાઉડર, ગૂગળ, લોબાન, ગાયનું ઘી અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં સ્વાઇન ફલૂ જેવી મહામારીને સંસ્કૃતમાં ‘જનપદોઘ્વંશ’ તરીકે ઓળખવામાં આવતી હતી.

ગાયનાં ઘીનું ટીપું નાકમાં લગાડી બહાર નીકળો

આયુર્વેદાચાર્ય ડો.પ્રવીણભાઇએ જણાવ્યું કે સ્વાઇન ફલૂથી બચવા માસ્ક પહેરવામાં આવે છે પરંતુ આયુર્વેદમાં બીજો એક અકસીર ઉપાય છે કે ગાયનાં ઘીનું ટીપું નાકમાં લગાડીને ઘરેથી બહાર જવામાં આવે. કેમકે ગાયનાં ઘીમાં ‘રક્ષોધ્ન’ નામનો ગુણ છે.

આ ગાયનું ઘી એક એવું કવચ પેદા કરે છે, જે કોષનું આવરણ એટલું શકિતશાળી બનાવે છે કે તેને વાઇરસ(વિષાણુ) ભેદી ન શકે. ઉપરાંત ગૌમૂત્ર અર્ક રોજ એક ચમચી લેવાથી પણ કોઇપણ પ્રકારનાં ફલૂને રોકવામાં મદદરૂપ બને છે.

‘કપાલભાતી’ શુદ્ધિ ક્રિયા સ્વાઇન ફલૂ સામે અકસીર

યોગમાં કરવામાં આવતી કપાલ ભાંતિની શુદ્ધિ ક્રિયા સ્વાઇન ફલૂના ઉપચાર માટે અકસીર ઇલાજ સાબિત થઇ શકે છે. આ ક્રિયા કમરથી સીધા બેસીને નાકમાંથી ઘર્ષણ અને અવાજ સાથે શ્વાસ બહાર ફેકવામાં આવે છે. રોજના લગભગ ૫૦૦ જેટલાં સ્ટ્રોક કરવાથી સ્વાઇન ફલૂનાં ઇન્ફેકશથી બચી શકાય છે.

જયારે આયુર્વેદમાં હળદર, સૂંઠ, ગળો, અરડુસી, લીડીં પીપર અને આમળા પાઉડર સરખા ભાગે મિકસ કરીને દરરોજ સવાર- સાંજ પાંચ ગ્રામ લેવાથી રોગ પ્રતિકારકશકિતમાં વધારો થાય છે, જેનાથી સ્વાઇન ફલૂનાં ચેપ સામે રક્ષણ મેળવી શકાય છે.

1 comment:

Anonymous said...

Very nice and useful information on H1N1. Thanks.
Sudhir Patel, Charlotte, USA

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory