આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Monday, July 6, 2009

સાચી લાઈન તો જીવન ફાઈન








સાચી લાઈન તો જીવન ફાઈન

Jayesh Adhyaru, AhmedabadMonday,
July 06, 2009 19:10 [IST]
















કઈ લાઈન લેવી? આ સવાલનો જવાબ જો વિધાર્થીનાં રસ-રુચિને બદલે તેને મળેલા ટકાના આધારે લેવામાં આવે તો ઘણી વાર વિધાર્થી ભયાનક માનસિક યાતનાનો ભોગ બને છે અને તેની આજીવન વાટ લાગી જતી હોય છે. આ ભયંકર ભૂલથી બચવા શું કરવું? ભેખડે ભરાઈ પડ્યા પછી છૂટવું કઈ રીતે?

‘તમારી બોર્ડની પરીક્ષાને આજથી માત્ર ૫૫૩ દિવસ બાકી છે. એટલે કે સાત વિષય સાથે ભાગાકાર કરીએ તો એક વિષય માટે માત્ર ૭૯ દિવસ. આમાં પ્રેકિટકલના કલાસ અને એની તૈયારીનો સમય તો ગણ્યો જ નથી. સમય બહુ ઓછો છે. દોડવા માંડો, નહીં તો કોઇ ચાન્સ નથી...’

સોળ વર્ષના ટીનેજરોના પેટમાં તેલ રેડાય એવો આ ખોફનાક ડાયલોગ સાયન્સના ધોરણ-૧૨ ટયૂશનના પહેલા જ દિવસે એક વિધાર્થી તરીકે ખુદ આ લખનારે સાંભળ્યો છે. અગિયારમા ધોરણને ‘પાની કમ ચાય’ સમજીને ઓફિશિયલી બારમું ધોરણ શરૂ થાય, એના નવ મહિના પહેલા, એટલે કે ખરેખરી બોર્ડની પરીક્ષાને સત્તરેક મહિના બાકી હોય ત્યારથી જ બારમાનાં ટ્યૂશન શરૂ થઇ જાય.

પછી ભયંકર ગોખણપટ્ટી, ચિક્કાર ખર્ચ, રાતના ઉજાગરા અને એવી બીજી અનેક યાતનાઓ બાદ બારમું પતે, વેકેશન પડે અને છેવટે પરિણામ આવે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો સિત્તેરથી એંસી-પંરયાસીની ટકાવારીવાળા વિધાર્થીઓ અને ખાસ તો પેરેન્ટ્સ એ વાતે થોડા હતાશ હોય છે કે હવે મેરિટલિસ્ટમાં નંબર પાછળ જશે એટલે પસંદગીના સ્ટ્રીમમાં અને પસંદગીની કોલેજમાં એડમિશન મેળવવું અઘરું બનશે.

અહીં હજારો રૂપિયાનાં આંધણ કરીને પેપર ખોલાવવાની પણ દોડધામ થાય. રખેને પાંચ-પરચીસ માકર્સ વધી જાય, તો જે મેરિટમાં એટલો નંબર આગળ આવ્યો! અખબારોનાં પાને ચમકેલા ‘તેજસ્વી તારલા’ઓને તો બહુ ટેન્શન હોતું નથી, પરંતુ પિસ્તાળીસ-પચાસથી સિત્તેર ટકાવાળાઓની હાલત જબરી કફોડી હોય છે. ‘હું તો સોએ સો માકર્સનું લખીને આવી હતી તોય મને બેતાળીસ માકર્સ જ આવ્યા..’ પ્રકારનાં વાકયોથી પેરેન્ટ્સને ‘ટાઢા’ પાડવાના પ્રયાસ ચાલતા હોય.

‘બિચારા’ની વ્યાખ્યામાં આવતા આવા વિધાર્થીઓને ન તો કોઇ પ્રોફેશનલ કોર્સિસમાં એડમિશન મળે છે અને સાયન્સ કોલેજમાં એડમિશન મેળવતાં તો હાંફ ચડી જાય છે. નાપાસ થયેલા કેટલાય વિધાર્થીઓ અખબારોનાં પાને ચડે છે, કયા કારણોસર એ આપણે જાણીએ છીએ. થોડા મહિનાઓના વિલંબ બાદ, જયારે ચોમાસાની શરૂઆત થઇ ગઇ હોય ત્યારે આવે એડમિશન પ્રોસેસની ઋતુ. ગુજરાતમાં સામાન્ય રીતે આખા રાજ્યનાં વિધાર્થીઓ (પ્રવેશાર્થીઓ) અને એમનાં વિહ્વળ માતા-પિતાઓ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી જેએસીપીસી (જોઇન્ટ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ)ના મેદાનમાં એકઠાં થાય. કોઇ મોટો એજયુકેશન ફેર જોઇ લો.

મોં પર ટેન્શન, ફી ભરવા માટે ખિસ્સાંમાં હજારો રૂપિયા અને સામાનના થેલા લઇને આમથી તેમ ભટકતાં-કૂટાતાં હોય. મેદાનમાં ‘એજયુકેશન લોન’ આપનારી બેંકોના કર્મચારીઓ પણ બેનર્સ લગાવીને કામે લાગી ગયા હોય. આખરે એડમિશન પ્રક્રિયા ચાલુ થાય છે.

ભારે ધક્કામુક્કી, અંધાધૂંધી અને સુરક્ષા કર્મચારીઓની બદ્તમીઝી બાદ અમુક મેરિટના નંબરોના જથ્થાને વન બાય વન અંદર મોકલવામાં આવે. અધકચરી સમજાય એવી કાગઝી કારવાઇ પતાવ્યા બાદ વિધાથી પ્લસ તેના એક સગાંને કહેવાતા ‘કાઉન્સેલિંગ’ માટે કમ્પ્યુટરની સામે બેસાડવામાં આવે. ઉપલબ્ધ કોલેજ અને એન્જિનિયરિંગ (કે મેડિસિન) સ્ટ્રીમના વિકલ્પો પ્રમાણે માંડ પાંચ-સાત મિનિટમાં કારકિર્દીના આ અતિ મહત્ત્વના નિર્ણય પર મત્તું મરાઇ જાય.

‘લાઈન’માં પણ તેજી-મંદી

હાથમાં બ્લેડ લાગીને ધોરી નસ કપાઇ ગઇ હોય એવા દર્દની વાત એ છે કે ઘણા બધા વિધાર્થીઓ એન્જિનિયરિંગની પાંચ-સાત પ્રચલિત શાખાઓ સિવાય કોઇના નામને બાદ કરતાં, એમાં શું ભણવાનું આવે, એ ભણ્યા પછી કયાં કેવા પ્રકારની નોકરી મળે, એમાં શું કરવાનું હોય... વગેરે કોઇ જ માહિતી વિના એના પર પસંદગી ઉતારતા હોય છે. ગણપતિ દૂધ પીએ કે શિવલિંગમાં ત્રિશૂળ દેખાય ત્યારે જેવો માસ હિસ્ટિરિયા પેદા થાય કંઇક એવાં જ ગાંડપણથી એડમિશનનો કોઇ ચોક્કસ ટ્રેન્ડ ફોલો થાય.

મતલબ કે કોઇ ભેદી સાઇકોલોજીથી અમુક વર્ષે અમુક સ્ટ્રીમમાં પ્રવેશનો ધસારો અચાનક વધી જાય. જાણે શેરની કોઈ સ્ક્રીપમાં ઓચિંતો ઉછાળો આવે તેમ. અમુક કોલેજોનું મેરિટ ઊંચું જાય. ઘણા ઉત્સાહી માતા-પિતાઓ તો વળી, ગયા વર્ષના એડમિશન કટ ઓફ માકર્સના પ્રિન્ટ આઉટ્સ લઇને ફરતાં હોય અને પોતાનો વારો આવે એ પહેલાં એનું એનાલિસિસ કરતાં હોય. પરંતુ મોટે ભાગે આસપાસના વાતાવરણમાંથી એટલે કે અન્ય અજાણ્યા વાલીઓ કે વિધાર્થીઓ સાથેની ઊભડક ચર્ચાને આધારે જ સ્ટ્રીમ કે કોલેજ નક્કી થઇ જતાં હોય છે.

અનુભવે જોયું છે કે એન્જિનિયરિંગ, અમુક અંશે મેડિકલ અને ખાસ કરીને મેનેજમેન્ટ (એમ.બી.એ.)ના એડમિશનમાં દર વખતે કોલેજોના લિસ્ટમાં એકાદ-બે નવાં નામ તો ઉમેરાઇ જ ગયાં હોય. જે ગામના નામ સિવાય ભાગ્યે જ કશું સાંભળ્યું હોય. એ ગામમાં રાતોરાત ઊભી થઇ ગયેલી અને ઘણીવાર મંજૂરીની રાહ જોતી કોલેજમાં દોઢેક દિવસમાં તો એડમિશન ફુલ થઇ ગયાં હોય! ગ્રેટ!

દિલ ક્યા ચાહતા હૈ?

‘ભણીગણીને નોકરી કરવાની, ને ઘર વસાવો, બચ્ચાં-કચ્ચાં-માતા-પિતાને સાચવો. વર્ષોથી આમ જ તો થતું આવ્યું છે. સત્તર-વીસ વર્ષનાં છોકરાંવને કઇ લાઇન લેવી એની શું ખબર પડે?’વાલીઓના મોઢેથી સંભળાતો આ એક કોમન ડાયલોગ છે. મનોવિજ્ઞાનનો સાદો નિયમ છે, વ્યકિતને તેનું ગમતું કામ મળે, તો એમાં એ ખીલે, પોતાની પૂરેપૂરી પ્રતિભા અને ક્ષમતા કામે લગાડી શકે. અને જો ન ગમતું કામ માથે મારવામાં આવે તો એ સંકોચાઈ જાય, ચીમળાઈ જાય. કોઇ વિધાર્થીને બારમાના સાયન્સમાં ૯૨ ટકા આવ્યા હોય.

પરંતુ લોહી જોઇને ચક્કર આવતા હોય તો એ મેડિકલમાં જઈને શું કાંદો કાઢવાનો; એન્જિનિયરિંગમાં પ્રવેશ મળતો હોય, પણ જાતજાતના વાયર જોઇને કે મશીનો સાથે માથાં ફોડી કરવામાં ભેજાંનાં સ્ક્રૂ ઢીલાં થઇ જતાં હોય, તો એ એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી શું ઉકાળે! તરત સામી દલીલ થશે, ‘ભઇ, આ બધું ચિંતનાત્મક લેખો લખવામાં સારું લાગે. બાકી, હજારો વિધાર્થીઓ ડા"કટર-એન્જિનિયરિંગનું ભણીને અત્યારે સુખી છે જ ને.’

લાખો રૂપિયા ખર્ચીને ભણવાને આપણે ત્યાં જેટલું મહત્ત્વ આપવામાં આવે છે, એનું એકાદ ટકા મહત્ત્વ પણ વિધાર્થીનાં રસ-રુચિ જાણીને તેની પસંદગીની કે તેને અનુરૂપ કારકિર્દીમાં મોકલવાને આપવામાં આવતું નથી. અગિયારમાં ધોરણથી કયા સ્ટ્રીમમાં જવું કે બારમા ધોરણ પછી કઇ લાઇન લેવી એ બધા માટેના મોટા ભાગના નિર્ણયો કાં તો મમ્મી-પપ્પા કરતાં હોય અથવા તો વિધાર્થી પોતે પોતાના મિત્રોને અનુસરીને લઇ લેતાં હોય છે.

‘કરિયર કાઉન્સેલિંગ’ કે ‘એપ્ટિટ્યૂડ ટેસ્ટ’ એ કઇ ચીડિયાનું નામ છે, એ વાલીઓ અને વિધાર્થીઓ ખાસ જાણતા નથી તે મોટી કરુણતા છે. ખુદ વિધાર્થીઓને પણ કશી ગતાગમ હોતી નથી (જે હોવી જોઇએ જ), તો પછી તેઓ ખુદની પસંદ-નાપસંદનું એનાલિસિસ શી રીતે કરી શકે? કરિયર કાઉન્સેલિંગ કરાવતી વખતે પણ સાવચેતી રાખવા જેવી છે. કાઉન્સેલિંગ સેન્ટર કોઇ સંસ્થા કે કોઇ કોર્સની તૈયારી કરાવતાં કલાસિસ સાથે જોડાયેલા હોય, તો એ તમને સાવ સાચું

ચિત્ર આપી શકે તેમ છે ખરું?

ગમે તે વિધાર્થીને ફેશનમાં રહેલા ‘મલાઇદાર’ કોર્સ-ફિલ્ડમાં નાખી દેવાની માનસિકતાને કારણે વિધાર્થીઓ પછી એકથી બીજા કોર્સમાં ગોથાં ખાધા કરે છે. બી.ઇ. કરીને એમબીએ કરે અને એ પછી બેંકિંગ સેકટરમાં આવી ગયા હોય, તો બી.ઇ. કરવાનો કોઇ અર્થ ખરો? પહેલાં એક ક્ષેત્રનું ભણીને પછી પોતાની અંદરના અવાજને અનુસરીને કોઇ બીજા જ ક્ષેત્રમાં આવી ગયા હોય, એવા હર્ષ ભોગલે (કોમેન્ટેટર, મૂળ એમબીએ), શંકર મહાદેવન, અનિલ કુંબલે (અનુક્રમે સંગીતકાર-ગાયક અને ક્રિકેટર, મૂળ એન્જિનિયર), પલાશ સેન (ગાયક-સંગીતકાર, મૂળ તબીબી ડોકટર), સમિત બાસુ (લેખક, મૂળ એમબીએ), શેખર કપૂર (નિર્માતા-નિર્દેશક, મૂળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) લોકોની યાદી પાર વિનાની લાંબી છે.

આઇએએસ હોય કે આંત્રપ્રેન્યોરશિપ, દરેક ક્ષેત્રમાં આવાં ઉદાહરણો જોવા મળે જ છે. જો બધા લોકો બધાં કામ માટે જ સર્જાયેલા હોત, તો કારકિર્દીની ખોટી બસમાં ચડી ગયેલા કેટલાક સંવેદનશીલ યુવાનો આત્મહત્યા શા માટે કરતાં હોત? રિટેલ ચેઇન ‘બિગ બજાર’ના કિશોર બિયાણીનો એક સરસ કવોટ છે: ‘આપણે આ પૃથ્વી પર બહુ થોડા સમય માટે આવ્યા છીએ અને આ સમય દરમિયાન આપણે આપણા પસંદગીના કામમાં જ ટાઇમ પસાર કરવાનો છે’.

કોઇ કોર્સમાં કે કોઇ લાઇનમાં જતાં પહેલાં એ વિશેની પૂર્વતૈયારી-હોમ વર્ક કરતા વિધાર્થીઓની સંખ્યા ઝાઝી નથી. અમદાવાદસ્થિત ‘ટ્રાઇટન’ કોમ્યુનિકેશન્સ નામની એડવર્ટાઇઝિંગ એજન્સીના ગ્રુપ ડાયરેકટર તેમ જ બે દાયકાથી વિવિધ મેનેજમેન્ટ સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ભણાવવા જતા સંજોય ચક્રવર્તી કહે છે, ‘મારી પાસે એમબીએ કોલેજોમાંથી એડ એજન્સીમાં ઇન્ટર્નશિપ માટે કે જોબ માટે ઘણા વિધાર્થીઓ આવતા હોય છે. એમને પૂછીએ કે તમે એડવર્ટાઇઝિંગના ક્ષેત્રમાં શા માટે આવવા માગો છો, તો કહેશે, ‘મને એવું લાગે છે કે હું આ ક્ષેત્ર માટે જ સર્જાયેલો(કે સર્જાયેલી) છું.

એડવર્ટાઇઝિંગ ઇઝ માય કોલિંગ.’ પરંતુ એમને બે-પાંચ એડ એજન્સીના નામ કે સફળ એડ કેમ્પેઇન વિશે પૂછો તો કશું જ ખબર ન હોય. હવે જે ક્ષેત્રમાં તમે જવા માગતા હો, તમે જે ક્ષેત્ર માટે સર્જાયેલા હોવાનો દાવો કરતાં હો, એની તમને એબીસી પણ ખબર ન હોય તો ત્યાં તમને કોઇ શા માટે લે?’ જર્નાલિઝમ ઇન્સ્ટિટયૂટ્સમાંથી દર વર્ષે ઘણા વિધાર્થીઓ અખબારોની ઓફિસોમાં ઇન્ટર્નશિપ માટે આવતા હોય છે.

એમને પૂછો કે તમે કયા અખબાર વાંચો છો? ફલાણા અખબાર વિશે તમે શું જાણો છો? તમારા મનપસંદ લેખકો-પુસ્તકો કયા છે? પત્રકારત્વ વિશે શું જાણો છો? માનો યા ન માનો, પણ લગભગ એકેય સવાલનો સંતોષકારક જવાબ તેઓ આપી શકતા નથી. મોટે ભાગે તો એમને કોઇ વાતની ગંભીરતા હોતી જ નથી. આવા યુવાનો પાછળ કોઇ શા માટે પાંચ સેકન્ડ પણ બગાડે?

તો શું કરવું?

તમે જે કોર્સમાં જોડાયા છો, જોડાવા ઇરછો છો, એ ક્ષેત્રના ફિલ્ડની એટલે કે માર્કેટની પરિસ્થિતિ શું છે? એ ફિલ્ડ એ ક્ષેત્ર કેવી કવોલિટીઝની અપેક્ષાઓ રાખે છે? એ અપેક્ષાઓ પૂરી કરવાની ક્ષમતા-સજજતા તમારામાં છે? આ ફિલ્ડમાં ઓલરેડી કામ કરતા લોકોથી તમે કઇ રીતે ડિફરન્ટ છું? આ ક્ષેત્રના પ્લસ-માઇનસ પોઇન્ટ્સ કયા શું છે?વૈચારિક સ્તરે સ્પષ્ટ થવા માટે એ ક્ષેત્રમાં ઠીક ઠીક વર્ષોથી કામ કરતી વ્યકિતઓને મળો અને એમની પાસેથી ફસ્ર્ટ હેન્ડ માહિતી મેળવો.

દા.ત. સિવિલ સર્વિસિઝની પરીક્ષા આપીને કલેકટર કે આઇપીએસ અધિકારી બનવું છે, તો તમારા ગામના કલેકટર-ડેપ્યુટી કલેકટર-આઇપીએસ અધિકારીને મળો. એમબીએ કરવું છે? માર્કેટિંગમાં, ફાઇનાન્સમાં કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં સ્પેશિયલાઇઝેશન કર્યું હોય તો કેવા પ્રકારની જોબ કરવાની આવે? આ બધી જ વિગતો અત્યારે ફિલ્ડમાં કાર્યરત અનુભવી વ્યકિતઓ પાસેથી મેળવો. પત્રકારત્વમાં આવવું છે? કોઇ પ્રતિષ્ઠિત અખબારના વરિષ્ઠ પત્રકારને મળો. ફેશન ડિઝાઇનિંગમાં આગળ વધવું છે? ખ્યાતનામ ફેશન ડિઝાઇનરનો સંપર્ક સાધો. આવી વ્યકિતઓને તમને

મૂંઝવતા બધા જ પ્રશ્નો પૂછો?

રોન્ડા બર્નના પ્રસિદ્ધ પુસ્તક ‘ધ સિક્રેટ’માં સરસ વાત કહેવાઇ છે: જો તમે કોઇ વસ્તુ મેળવવાનો અત્યંત તીવ્રતાથી-પૂરેપૂરી સજજતાથી-પ્રામાણિકતાથી પ્રયાસ કરશો, તો એ વસ્તુ અપાવવા માટે આખું બ્રહ્માંડ તમને મદદ કરશે. આવો જ કંઇક ડાયલોગ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરૂખ ખાન પણ બોલે છે. ભારે મહેનતથી કારકિર્દીમાં આગળ વધેલા લોકો નમ્ર હોય છે અને તેમને પોતાના ક્ષેત્રમાં આવવા ઇરછતા ઉત્સાહી યુવાનો સાથે વાત કરવી ગમતી હોય છે.

એમના જ્ઞાન-અનુભવનો લાભ તમે શા માટે ન લો?

આપણાં રસ-રુચિ પ્રમાણે આપણું ફિલ્ડ નક્કી કરી આપતી એપ્ટિટયૂડ ટેસ્ટ્સથી લઇને લગભગ બધી જ માહિતી ઇન્ટરનેટ પરથી મળી શકે છે. આ વખતે સિવિલ સર્વિસિઝની પરીક્ષામાં પાસ થયેલા હોનહાર ગુજરાતી વિધાર્થીઓમાંથી કેટલાકે કબૂલ્યું કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ‘ઓર્કુટ’ પર સિવિલ સર્વિસિઝને લગતી કોમ્યુનિટીઝમાંથી એમને કેટલાક પાસ-આઉટ્સ પાસેથી ખરેખર ઉપયોગી એવું માર્ગદર્શન મળ્યું હતું. દેશ-વિદેશની બોગસ યુનિવર્સિટીઓથી લઇને કેમ્બ્રિજ, એમઆઇટી કે હાર્વર્ડથી લઇને આઇઆઇએમ-આઇઆઇટી જેવી સંસ્થાઓ ઇ-મેઇલથી પૂછેલાં પ્રશ્નોનો વ્યવસ્થિત જવાબ આપે જ છે, સવાલ માત્ર પ્રયત્ન કરી જોવાનો છે.

ખોટી કરિયરમાં આવી ગયા છો?

થોડા સમય પહેલા નોકરી અપાવવામાં મદદ કરતી એક સાઇટની સરસ જાહેરખબર આવતી. શાસ્ત્રીય નૃત્ય કરતી એક યુવતી એર ટ્રાફિક કંટ્રોલિંગ કરતી હોય, એક ક્રિકેટર બેટ લઇને ધોબીઘાટ પર કપડાં ધોતો હોય, પ્લેનમાં સ્ટુઅર્ડની જગ્યાએ એક ફંકી ડી.જે. હોય... મતલબ કે, ખોટા કરિયરમાં ફસાઇ ગયા હોય એવું લાગતું હોય, તો આવો, અમે તમને સાચો રસ્તો બતાવીશું. ટિંગટોંગ! ગ્લોબલાઇઝેશન અને પ્રોફેશનલ કોર્સિસનો યુગ આવ્યા પછી, કંપનીઓમાં એટિ્રશન રેટ (એક નોકરીમાંથી બીજી નોકરી પર કૂદાકૂદ કરવાનો ટ્રેન્ડ) ભયાનક રીતે વઘ્યો છે.

એક જ નોકરીમાં ત્રીસ-પાંત્રીસ વર્ષ કાઢી નાખનારાં વડીલોને અત્યારના યુવાનિયાંવ હસી કાઢે છે. અત્યારે તો નોકરીમાં સહેજ વાંધો પડે કે ધર્યું રાજીનામું. એક વર્ષમાં ત્રણેક નોકરીઓ બદલી નાખનારા યુવાનો શોધવા માટે કપાળે હાથની છાજલી બનાવવી પડે એવું છે જ નહીં. એક પછી એક નોકરીનું ચલકચલાણું રમ્યા પછી સ્થિતિ એવી આવે કે યુવાનને લાગવા માંડે કે યાર, આપણે તો ખોટા ફિલ્ડમાં ભરાઇ પડ્યા!

નિષ્ણાતો કહે છે, નોકરીમાં વાંધા પડે એટલે રાજીનામું ધરવાની ઉતાવળ કરતાં પહેલાં એ શોધો કે ખરેખર પ્રોબ્લેમ કયાં છે? કયારેક એવું થાય કે જોબ બરાબર હોય, કામ પણ ગમતું હોય, પરંતુ બોસ કકળાટિયા હોય. સાથે કામ કરતાં લોકો ખટપટિયા હોય, અરે, પૂરતાં કમ્પ્યુટર્સ ન હોય કે ઇન્ટરનેટ કનેકશન ન હોય કે ટાર્ગેટનું પ્રેશર હોય, તો પણ યંગસ્ટર્સ રાજીનામું ધરી દે છે. આવા કિસ્સાઓમાં તો આપણો એટિટયૂડ જ બદલવો રહ્યો. કેમ કે, નવી નોકરીમાં પણ

આવું નહીં હોય એની કઇ ખાતરી?

આપણી જાતને સવાલ પૂછીને નક્કી કરવું જોઇએ કે આપણે વાંધો કોની સામે છે: ફિલ્ડ, કામ કે સંસ્થા સામે, કે બોસ કે કલિગ્સ સામે? આપણો પ્રશ્ન ઇન્ટર્નલ છે કે એકસર્નલ? જો નોકરી બદલવી જ પડે એમ હોય, તો નોકરી બદલો, ક્ષેત્ર નહીં. એમ કરતાં પહેલાં પણ શકય હોય, તો એક અનુભવી વિશ્વાસપાત્ર વ્યકિત પાસેથી ખરેખર સાચી સલાહ લઇ લો. બાકી ઓછી મહેનતે, ભરપૂર સેલેરી અને પ્રતિષ્ઠા આપતી જોબ શોધાવાની હજી બાકી છે! તમારી જાત પર વિશ્વાસ કરો. તમારી કવા"લિટીઝ વિકસાવતા રહો. નવું નવું શીખતા રહો.

લેટેસ્ટ જ્ઞાન મેળવતા રહો. મિલ્ટપ્લેકસમાં મુવી જોવાનું કેન્સલ રાખીને કે કોઇ પાર્ટી કેન્સલ કરીને પણ સારી બાયોગ્રાફીઝ ખરીદવામાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. પોતાના ક્ષેત્રમાં આગળ વધેલાં ધાંસૂ લોકોની બાયોગ્રાફીઝ વાંચતા રહો. તમારી જાતને એવી ઊંચાઇએ લઇ જવા પ્રયત્નશીલ રહો કે તે ક્ષેત્રમાં તમારો કોઇ વિકલ્પ જ ન હોય. અને જો, તમારાં કામ પ્રત્યે ખરેખર પેશન ધરાવતા હશો, તો સૌરવ ગાંગુલીએ એક ટોક શોમાં કહેલું એમ, કોઇ વ્યકિત તમારા ટેલેન્ટને વધુ સમય સુધી રોકી શકશે નહીં.

No comments:

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory