આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Friday, July 10, 2009પ્રાર્થના કઈ રીતે કામ કરે?

Shishir RamavatFriday, July 10, 2009 18:19 [IST]

ભગવાન ખુદ શ્રદ્ધાનો વિષય ગણાતા હોય ત્યારે ભગવાનને થતી પ્રાર્થનાની તાકાતને તર્ક કે વિજ્ઞાન વડે માપી શકાય ખરી? શ્રદ્ધા અને વિજ્ઞાન અમુક બિંદુએ એકબીજાને સ્પર્શ્યા ત્યારે કેવાં રસપ્રદ પરિણામો મળ્યાં?


‘મૈંતો ચલા ગયા થા... લૌટ આયા હૂં તો બસ, આપકી દુઆઓં સે!’
આમ તો આ અમિતાભ બરચનની ‘કૂલી’ ફિલ્મનો ડાયલોગ છે પણ એમાં એમના દિલની વાત પણ સમાયેલી છે. બહુ જાણીતી વાત છે કે ‘કૂલી’ ફિલ્મના શૂટિંગમાં એક ફાઇટ સિકવન્સ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આખા દેશની પ્રજાનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

એક તરફ મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી અને બીજી તરફ લાખો ચાહકો તેઓ સાજાસારા થઇ જાય એ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી રહ્યા હતા. આખરે અમિતાભ પરથી જોખમ ટળ્યું અને જોતજાતાંમાં તેઓ હણહણતા અશ્વ જેવા થઇ ગયા.

અમિતાભે પછી તો પોતાના કેટલાય ઇન્ટરવ્યુઝમાં જીવનની આ નવી ઇનિંગ્સ માટે માત્ર મેડિકલ સાયન્સને જ નહીં, પણ તેમના ચાહકોએ કરેલી પ્રાર્થનાઓની શકિતને પણ કારણભૂત ગણાવી.

પ્રાર્થનાની શકિત

શું તમે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો એટલે ઇશ્વર તેનો જવાબ આપે, તેવું બને? કહે છે ને કે ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે, શું એમને ભકિતનો આહાર મળે એટલે બદલામાં તેઓ ભકતને પણ તૃપ્ત કરે જ? આ આખી વાત આમ તો શ્રદ્ધાની છે.

સવાલ એ છે કે ભગવાનના અસ્તિત્વનો મુદ્દો સ્વયં શ્રદ્ધાની ધરી પર ઝૂલતો હોય ત્યારે ભગવાનને થતી પ્રાર્થનાના બળને તે વળી તર્ક વડે શી રીતે સમજાવી શકાય? પ્રાર્થનાની શકિતનો વિષય પણ સંપૂર્ણપણે શ્રદ્ધાની જ વાત છે અને તેને વિજ્ઞાનના પરિઘથી દૂર જ રાખવાનો હોય એવું તમે કહેવાના હો તો સાંભળી લો કે આ એવો વિષય છે.

જેમાં મેડિકલ સાયન્સને પણ ખૂબ રસ પડ્યો છે. પ્રાર્થના એટલે સાવ સાદી ભાષામાં, ઇશ્વર યા તો પરમશકિત સાથે થતું કમ્યુનિકેશન. હિંદુ ધર્મમાં પ્રાર્થના કીર્તન, ભજન, આરતી, મંત્ર જેવાં અનેક સ્વરૂપોમાં થાય છે. સંસ્કòત મંત્રોનું મૂળ આપણા વેદોમાં છે. વેદ ઇશ્વરીય વાણી છે અને તે અનાદિ ગણાય છે. મંત્રોમાં ઘ્વનિ અને સાચાં ઉરચારણનું ખૂબ મહત્ત્વ છે.

‘ઓમ્’નું મૂળ છેક સમગ્ર બ્રહ્માંડ રચાયું તે કાળખંડ સાથે જડાયેલું હોવાની માન્યતા છે. બાઇબલ કહે છે: ‘શરૂઆતમાં માત્ર શબ્દ હતો. આ શબ્દ ઇશ્વર પાસે હતો અને શબ્દ જ ઇશ્વર હતો.’ આધુનિક વેદિક ફિલોસોફરો બાઇબલના આ કથનનું અર્થઘટન કરતા કહે છે કે બાઇબલ ‘ઓમ્’ની જ વાત કરે છે. ઓમ્ સૌથી શકિતશાળી મંત્ર છે.

મંત્રોરચારણ હીલિંગ પાવર ધરાવે છે? રોજ સવારે પંદર મિનિટ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અનેક શ્રદ્ધાળુઓને શારીરિક તેમ આઘ્યાત્મિક સ્તરે ફાયદો થયો છે(અહીં ‘શ્રદ્ધાળુ’ શબ્દ નીચે કાલ્પનિક અન્ડરલાઇન કરો). આવાં ઘણાં દ્રષ્ટાંતો છે.

અંદાઝ અપના અપના

પ્રાર્થના કેટલી બધી રીતે થઇ શકે - ઊભા ઊભા, બેસીને, ઘૂંટણિયે પડીને, ભોંય પર સાષ્ટાંગ કરીને, ખુલ્લી આંખે, બંધ આંખે, હાથ જોડીને, અદબ વાળીને, હાથ. ઊંચા રાખીને, બીજાઓના હાથ પકડીને વગેરે. અમેરિકાના રેડ ઇન્ડિયન્સ નાચીને પ્રાર્થના કરે છે.

પ્રાર્થના ચોપડીમાંથી વાંચીને કરી શકાય, સ્મૃતિના આધારે કરી શકાય, એકદમ ઉત્સ્ફૂર્તપણે કરી શકાય, સંગીત સાથે કે સંગીત વગર કરી શકાય અને એક પણ શબ્દ બોલ્યા વગર સંપૂર્ણપણે મૌન જાળવીને પણ કરી શકાય. કબાલા તરીકે ઓળખાતા યહૂદી મિસ્ટિસીઝમના આરાધકો માને છે કે પ્રાર્થનાના એકએક અક્ષરનો નિશ્ચિત સ્પર્શ અને નિશ્ચિત અસર હોય છે.

પ્રાર્થનાથી આ બ્રહ્માંડની ગેબી શકિતઓ પર અચૂકપણે અસર થાય છે. બૌદ્ધધર્મીઓ માટે મેડિટેશન યા તો ઘ્યાન મુખ્ય છે. પ્રાર્થનાને તેઓ સેકન્ડરી, બહુ બહુ તો ઘ્યાન માટેની સપોર્ટિવ પ્રેકિટસ ગણે છે.

સ્તુતિ ઇશ્વરને, લાભ શરીરને

હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો. હબર્ટ બેન્સને ત્રીસ કરતાંય વધારે વર્ષોસુધી પ્રાર્થનાની શકિતનો અભ્યાસ કરવામાં ગાળ્યાં છે. ખાસ કરીને તેમણે મેડિટેશન-કે જેને પ્રાર્થનાનું બૌદ્ધ સ્વરૂપ કહી શકાય - તેના પર વિશેષ ભાર મૂક્યો. ‘મારે એ સમજવું હતું કે શરીર પર મનની શી અને કેવી અસર થાય છે.’

ડો. બેન્સન કહે છે, ‘તમે ગમે તે ધર્મ પાળતા હો, ગમે તે સ્વરૂપમાં પ્રાર્થના કરતા હો પણ આ બધામાં એક વાત કોમન છે. પ્રાર્થના કરવાથી તન-મન રિલેકસ થાય છે અને તેના લીધે માનસિક તાણ ઘટે છે, શરીર શાંત થાય છે તેમ જ હીલિંગ પ્રોસેસ (સાજા થવાની પ્રક્રિયા) ઝડપી બને છે. પ્રાર્થનામાં એક જ પ્રકારના શબ્દોનું કે ઘ્વનિનું વારેવારે પુનરાવર્તન થતું હોય છે. પ્રાર્થનાની હીલિંગ ઇફેકટ આ પુનરાવર્તન પ્રક્રિયામાં સમાયેલી છે.’

માણસ શાંત ચિત્તે પ્રાર્થના યા તો ઘ્યાન કરતો હોય ત્યારે તેનામાં થતા શારીરિક ફેરફાર ડો. બેન્સને એમઆરઆઇ બ્રેઇન સ્કેન દ્વારા નોંઘ્યા. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના સંશોધકો પણ આ વિષયમાં રિસર્ચ કરી રહ્યા હતા. બન્નેનાં તારણો પરથી મગજની સંકુલ ક્રિયા-પ્રક્રિયા વિશે જાણકારી મળી.

માણસ એકાગ્ર થઇને પ્રભુઘ્યાનમાં (યા તો બીજી કોઇ પણ બાબતમાં) વધુને વધુ ઊંડો ઊતરતો જાય એટલે મગજની પેરિયેટલ લોબ સર્કિટ્સ (perietal lobe circuits)માં તીવ્ર ગતિવિધિઓની શરૂઆત થઇ જાય. પોતાની જાત અને આસપાસની દુનિયા વરચે રહેલા ભેદને પારખવાનું કામ આ પેરિયેટલ લોબ સર્કિટ્સ કરે છે.

આ જ વખતે આત્મસભાનતા પેદા કરતા ફ્રન્ટલ અને ટેમ્પોરલ લોબ (frontal and temporal lobe) સર્કિટ્સ નિષ્ક્રિય બની જાય છે. પરિણામે માઇન્ડ અને બોડી વરચેના ભેદ ઓગળવા માંડે છે. દરમિયાન લિમ્બિક સિસ્ટમ સક્રિય થઇ જાય છે.

આ સિસ્ટમ રિલેકસેશનનું નિયમન કરે છે અને સરવાળે ઓટોનોમિક નર્વ્ઝ સિસ્ટમ, હૃદયના ધબકારા, બ્લડપ્રેશર વગેરે પર કંટ્રોલિંગ કરે છે. આ બધાનું પરિણામ એ આવે છે કે શરીર વધારે રિલેકસ્ડ ફીલ કરે છે, તેમ જ શરીરની ફિઝિયોલોજિકલ એકિટવિટી વધારે સુરેખ, વધારે સ્મૂધ બને છે.

તો શું આનો અર્થ એવો થયો કે આ પરમશકિત સાથે સંવાદ કરવાનો પ્રતાપ છે? શું આપણાં શરીર-મનની રચના જ એવી રીતે થઇ છે કે પ્રભુની પ્રાર્થના કરવાથી આપણા પર એની પોઝિટિવ અસર થાય? ‘વેલ, આ પ્રકારનું અર્થઘટન કરવું કે નહીં તે સૌની સંપૂર્ણપણે અંગત બાબત છે,’ ડો. બેન્સન કહે છે, ‘જો તમે ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હો તો આને પ્રભુની કૃપા સમજી લો. જો તમે નાસ્તિક હો તો આને દિમાગનો ખેલ ગણો.’

અમેરિકાની ડ્યુક યુનિવર્સિટી સાથે સંકળાયેલા મેડિસિન એન્ડ સકાયેટ્રી પ્રોફેસર ડો. હેરોલ્ડ કોઇંગ કહે છે કે પ્રાર્થના એટલે માત્ર અમુક શબ્દોનું એકધારું પુનરોરચારણ અને એનો ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ, એટલું જ નહીં. કોઇંગે ‘હેન્ડબૂક ઓફ રિલિજન’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે પ્રાર્થનાની સ્વાસ્થ્ય પર થતી અસર વિશેના ૧૨૦૦ જેટલા કેસનું દસ્તાવેજીકરણ કર્યું છે.

આ સ્ટડી પરથી ફલિત થાય છે કે ધાર્મિક પ્રકૃતિ ધરાવતા માણસો પ્રમાણમાં વધારે સ્વસ્થ જીવન જીવે છે. ‘નાસ્તિકોની સરખામણીમાં આસ્તિકોમાં ધૂમ્રપાન કરનારા અને ઢીંચીને ડ્રાઇવ કરનારાનું પ્રમાણ ઓછું હોય છે.’ ડો. કોઇંગ કહે છે. ઇન ફેક્ટ ડયુક, ડાર્ટમાઉથ અને યેલ યુનિવર્સિટીઓના અભ્યાસ પ્રમાણે તો પ્રભુપ્રાર્થના કરતા લોકો નાસ્તિકોની તુલનામાં ઓછા બીમાર પડે છે! નીચેનાં તારણો ઇન્ટરેસ્ટિંગ છે:

- નિયમિત ચર્ચમાં જનારા લોકોની સરખામણીમાં કયારેય ન ગયેલા લોકો દવાખાનાભેગા થાય ત્યારે તેમણે સરેરાશ ત્રણગણું વધારે રહેવું પડે છે.
- નાસ્તિક લોકો હાર્ટ સર્જરી દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના ૧૪ ગણી વધારે હોય છે.
- ચર્ચમાં નિયમિત જનારાઓની સરખામણીમાં નાસ્તિક લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ લગભગ બમણું હોય છે.
- ઇઝરાયલમાં કાર્ડિયવિસ્કયુલર બીમારીઓ અને કેન્સરના લીધે મૃત્યુ પામેલાઓમાં ધાર્મિક લોકોનું પ્રમાણ ૪૦ ટકા જેટલું ઓછું હતું.કોઇંગ ઉમેરે છે, ‘ધાર્મિક લોકો પ્રમાણમાં ઓછા ડિપ્રેસ્ડ થાય છે. ડિપ્રેશન આવી પડે તો પણ તેઓ એમાંથી ઝડપથી બહાર આવી જાય છે.

તબિયત અને જીવનની ગુણવત્તા પર આ બાબતની ખૂબ અસર થતી હોય છે. જુઓ, કોઇ ડોકટર દર્દીને ટ્રીટમેન્ટ આપતી વખતે ધાર્મિક બનવાનું પ્રિસ્ક્રિપ્શન નહીં આપે. પેશન્ટને એમ ન કહી શકાય કે તમારે અઠવાડિયામાં બે વખત મંદિર કે મસ્જિદ કે ચર્ચમાં જવાનું.

હા, અમે ડોકટરો દર્દીની આઘ્યાત્મિક જરૂરિયાત શી છે તે જરૂર જાણી શકીએ અને તે પ્રમાણે એને વાંચવાની ચોપડીઓ વગેરે આપી શકીએ.’ ડ્યુક યુનિવર્સિટી સાથે સંકળાયેલા અને કાર્ડિયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ક્રુચોફે ‘મંત્ર’ નામનો પ્રોજેકટ સંભાળ્યો હતો. ‘મંત્ર’ એટલે મોનિટરિંગ એન્ડ એકયુલાઇઝેશન ઓફ નોએટિક ટીચિંગ્સ.

આ નોએટિક ટીચિંગ્સ એટલે પૂરક થેરાપી, જેમાં ન દવા-ઓસડિયાં હોય કે ન મસાજ-એકયુપ્રેશર જેવું કશુંય હોય. દેખીતું છે કે આ બધાને કારણે જાતજાતના સવાલો ઊભા થયા વગર ન રહે. ‘સાચું છે’, ડો. ક્રુચોફ કહે છે, ‘સ્ટાન્ડર્ડ હાઇટેક ટ્રીટમેન્ટમાં આઘ્યાત્મિક બળ ઉમેરાય તો એનાથી દર્દી ખરેખર જલદી સાજો થાય? એને ઓછી દવાની જરૂર પડે? ઓછી પીડા ભોગવવી પડે? - આવા બધા સવાલો તો ઊભા થવાના જ.’

મંગળ કામનાનો મંગળ પ્રભાવ

પ્રાર્થનાના હીલિંગ પાવરની વાત આવે ત્યારે ‘ડિસ્ટન્ટ પ્રેયર’ અથવા ‘ઇન્ટરસેસરી પ્રેયર’નો ઉલ્લેખ પણ થતો હોય છે. અમેરિકાના કેન્સાસ શહેરની એક હોસ્પિટલમાં ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ થયો હતો. હૃદયરોગથી પીડાતા અને હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓને બે જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા. એક જૂથના દર્દીઓ એવા હતા જેઓ જલદી સાજા થઇ જાય તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી. આને ‘ઇન્ટરસેસરી પ્રેયર’ કહેવામાં આવે છે.

મજાની વાત એ હતી કે આમાંના એક પણ દર્દીને કહેવામાં આવ્યું ન હતું કે તમારા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ પ્રાર્થનાઓ સ્થાનિક ચર્ચ સાથે સંકળાયેલા વોલેન્ટિયરોએ કરી હતી. તેમને એક કાગળ પર દર્દીઓનાં નામ લખીને કહેવામાં આવેલું: આ બધા ઓછા દુખી થાય અને ઝડપથી રિકવર થાય તે માટે પ્રાર્થના કરો.

આ પ્રયોગનું તારણ શું આવ્યું? જે પાંચસો દર્દીઓ માટે ઇન્ટરસેસરી પ્રાર્થના કરવામાં આવી હતી તેમને ૧૧ ટકા ઓછાં કોમ્િપ્લકેશન્સ થયાં હતાં. એક આખા વર્ષ દરમિયાન કુલ ૯૯૦ દર્દીઓને કોરોનરી કેર યુનિટમાં દાખલ કરવામાં આવેલા. સ્ટાન્ડર્ડ કોરોનરી કેર સ્કોરિંગ સિસ્ટમ વડે પ્રેયર અને નોન-પ્રેયર ગ્રુપનું વિશ્લેષણ કરવામાં આવ્યું.

જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેઓ, જેમના માટે પ્રાર્થના કરવામાં નહોતી આવી તે દર્દીઓ કરતાં ઝડપથી સાજા થયા હતા. અલબત્ત, એવું નહોતું કે પ્રેયર ગ્રુપને હોસ્પિટલમાંથી જલદી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હોય.

આવું કેમ બન્યું? શું આ પ્રાર્થનાનો ચમત્કાર હતો? રિસર્ચ ટીમ કહે છે કે પ્રેયર ગ્રુપ અને નોન-પ્રેયર ગ્રુપ વરચે દેખાયેલા આ તફાવતને તાર્કિક રીતે સમજાવી શકાય તેમ નથી. રિસર્ચના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ‘અમે કંઇ ભગવાન પ્રાર્થનાનો જવાબ આપે છે યા તો ઇશ્વરનું અસ્તિત્વ છે એવું સાબિત કર્યું નથી.

આ પ્રયોગમાં ઇશ્વરના અસ્તિત્વની નહીં, ઇન્ટરસેસરી પ્રેયરની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રયોગના પરિણામને તર્ક વડે સમજાવી શકાય તેમ નથી.’ અહીં મહત્ત્વનો સવાલ એ ઊઠે છે કે તર્કસંગત ન હોય તેવા અખતરાનો કશો અર્થ ખરો?

શ્રદ્ધાનો હો વિષય, તો પુરાવાની શી જરૂર

વૈજ્ઞાનિકો કહે છે કે દર્દીઓને ઓલરેડી ખબર હોય કે કોઇ તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે તો શકય છે કે આ વાતની દર્દી પર મનોવૈજ્ઞાનિક સ્તરે પોઝિટિવ અસર થાય અને તેના લીધે તેઓ ઝડપથી સાજા થાય. બાકી આ રીતે દર્દીઓ માટે ગુપચુપ કરી લેવામાં આવતી પ્રાર્થનાની તેમના પર સારી અસર શી રીતે થાય તે સમજાય એવું નથી.

ઇન્ટરસેસરી પ્રેયરને લગતા ઘણા પ્રયોગ કરવામાં આવ્યા છે, પણ સૌનાં તારણ વત્તેઓછે અંશે આ જ રીતે અસ્પષ્ટ રહ્યાં છે. વળી, લ્યુકેમિયાના દર્દીઓ તેમ જ એન્કઝાયટી(બેચેની) અને ડિપ્રેશન (નોંધપાત્ર હતાશા)થી પીડાતા દર્દીઓ પર ઇન્ટરસેસરી પ્રાર્થનાની નોંધપાત્ર અસર નોંધાઇ નહોતી. બીજી બાજુ એઇડ્સના દર્દીઓ પર તેની સારી અસર થઇ હોવાનું જાણવામાં આવ્યું...

પણ પ્રાર્થનાથી અમુક રોગના દર્દીઓ પર સારી અસર થાય અને અમુક બીમારીથી પીડાતા દર્દીઓ પર અસર ન થાય એવું કેમ? વેલ, આ સવાલનો પણ કોઇ તાર્કિક જવાબ નથી!

સો વાતની એક વાત. પ્રાર્થનાની શકિતને માપવાની પળોજણમાં બહુ પડવા જેવું નથી. પ્રાર્થના જો શ્રદ્ધાનો ઇલાકો ગણાતો હોય તો શું શ્રદ્ધા ખુદ અત્યંત શકિતશાળી જીવનબળ નથી? પથ્થર પર ત્રણ આડા લીટા તાણી દેવાથી જો એ શિવલિંગ બની જતું હોય તો ભકતોની શ્રદ્ધા તે પથ્થરમાં શંકર ભગવાનના આત્માનું આરોપણ કેમ ન કરી શકે?

જો તમને પ્રાર્થના કરવાથી સારું લાગતું હોય તો બીજી કોઇ લપછપમાં પડયા વગર પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. પ્રાર્થનાને કારણે જો માનસિક રીતે રાહત રહેતી હોય અને ટકી રહેવાનું બળ મળતું હોય તો એના કરતાં ચઢિયાતી વાત બીજી કઇ હોવાની?

No comments:

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory