આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Sunday, July 12, 2009

આર્ટ ઓફ લર્નિંગ







આર્ટ ઓફ લર્નિંગ

Shishir Ramawat
Tuesday, June 30, 2009
20:27 [IST]
સાભાર : અહા જિંદગી




જે શ્વાસ લે છે તે જીવિત છે અને જે શીખે છે તે જીવંત છે, માટે આજીવન જીવંત રહેવું હોય તો શીખવાની કળા શીખવી જ રહી. આ અતિઉપયોગી કળાનું એ-ટુ-ઝેડ પ્રસ્તુત છે.



લાંબોલચ બાયોડેટા ધરાવતો એક પ્રોફેશનલ કોર્પોરેટ કંપની જોઇન કરે છે. નવી ઓફિસ, નવા લોકો, નવા પરિચય. પાંત્રીસ-વર્ષનો આ યુવાન લાગે છે તો તરવરિયો, પણ પાંચ જ દિવસમાં એ ઓચિંતા કયાંક રફૂચક્કર થઇ જાય છે. કોઇને સૂચના નહીં, કોઇની પરવાનગી નહીં. પાંચમા દિવસે બપોરે એ લંચ માટે બહાર ગયો એ ગયો... પછી પાછો ફરકયો જ નહીં. પછી ન તો એણે સાદો ફોન કર્યોકે ન કોઇ ખુલાસો કર્યો.

એવું નહોતું કે એણે કશાયની ચોરી કરી હતી કે કોઇક નુકસાન કર્યું હતું. એ જોબ છોડીને જતો રહ્યો, બસ! આખરે એવું તે કયું કારણ હતું જેને લીધે એ જુવાનિયાએ આમ અચાનક અંતધાર્ન થઇ જવું પડયું? નવી ટેકનોલોજી શીખવાનો ડર! પોતાને તીસમારખા સમજતા આ પ્રોફેશનલને નવી જોબમાં નવી ટેકનોલોજી શીખવાની આવી એટલે કાંપી ઊઠયો હતો ને પછી પડકાર ઝીલી લેવાને બદલે નોકરી છોડીને નાસી ગયો હતો!

આ કહેવાતા સુશિક્ષિત યુવાનને તમે ‘અભણ’ કહી શકો, કેમ કે જાણીતા અમેરિકન વિચારક એિલ્વન ટોફલર કહે છે તેમ, એકવીસમી સદીમાં અભણ, એટલે જેને વાંચતા-લખતા આવડતું નથી એ નહીં, પણ એવી વ્યકિત જે લર્ન, રિ-લર્ન અને અન-લર્ન કરી શકતો નથી. અર્થાત્ જે માણસ નવું શીખી શકતો નથી, એક વાર શીખેલું ફરીથી શીખતો નથી અને બિનજરૂરી શીખેલું દિમાગમાંથી ભૂંસી શકતો નથી તેને આધુનિક જમાનાનો અંગૂઠાછાપ ગણવો!

‘માણસ જેટલી વધારે ખંત અને નિયમિતતાથી અભ્યાસ કરશે, એટલી ઝડપથી જે-તે વિષયના બેઝિક કન્સેપ્ટ્સ તે સમજી શકશે.’ ના, આ વાત દસમા-બારમા ધોરણના કોઇ ટયુટોરિયલમાં લખાયેલી નથી, પણ ભગવાન મનુએ હજારો વર્ષ પહેલાં ‘મનુસ્મૃતિ’માં આ પ્રમાણે કહ્યું છે! ઋગ્વેદમાં કહેવાયું છે: માણસ મનમાં એક ઘ્યેય વિચારી લે અને પછી તે દિશામાં કામ કરવા લાગે તો એ વહેલામોડું એને હાંસલ કરી જ લે છે. ઘ્યેયસિદ્ધિની આ યાત્રામાં એણે ખૂબ બધું શીખતા રહેવું પડે છે.

શીખવું એટલે માત્ર સ્કૂલ-કોલેજમાં ભણતા હોઇએ તેમ કલાસ રૂમમાં શીખવું, એમ નહીં. (બાય ધ વે, બારમું ધોરણ પાસ કરો છો ત્યાં સુધીમાં તમે સ્કૂલમાં ભણવામાં અંદાજે ૧૭,૦૦૦ કલાક ખર્ચી નાખ્યા હોય છે.) શીખવું એટલે જુદા જુદા પ્રકારની માહિતીના સમન્વય વડે નવું જ્ઞાન, વર્તણૂક, કૌશલ્યો, મૂલ્યો, પ્રાધાન્યો કે સમજણ હાંસલ કરવાં. માણસ અનાયાસે કે આયાસપૂર્વક શીખવાની પ્રક્રિયા આજીવન કરતો રહે છે.

નવજાત શિશુ પોતાના નાનકડા હાથમાં વસ્તુ પકડતા શીખે છે, થોડું મોટું થાય એટલે ભાખોડિયાંભેર ચાલતાં અને પછી બે પગે ચાલતાં શીખે છે. અૌપચારિક ભણતર પછી પણ માણસની શીખવાની પ્રક્રિયા અટકતી નથી. મૈત્રી, પ્રેમસંબંધ, સામાજિક વ્યવહારો, લગ્ન, ડિવોર્સ, નવી જોબ લેવી, પ્રમોશન લેવું, બીજા શહેરમાં રહેવા જવું, સ્વજનનું મૃત્યુ, નિવૃત્ત થવું... આ બધું જ આપણને કંઇને કંઇ શીખવતું રહે છે.

માણસના જીવનમાં જેટલી વધુ ઘટના બને એટલા શીખવાના મોકા એને વધારે મળે. સામાન્ય સંજોગોમાં પણ પુખ્ત વયના લોકો નવું નવું શીખવા પ્રેરાતા હોય છે. એનાં બે કારણો હોય છે. એક, એને નવું જ્ઞાન કે માહિતી મેળવવાની ઝંખના હોય છે અને બીજું, જે કૌશલ્યો તેની પાસે ઓલરેડી છે, તેને તે કોઇ પણ રીતે વ્યવહારમાં અપ્લાય કરવા માગતા હોય છે. નવું શીખતાં રહેવાથી માણસને આનંદ મળે છે, તે સંતોષ અનુભવે છે અને તેના આત્મસમ્માનને પણ પોષણ મળે છે.

માણસ માત્ર પોતાના અનુભવો પરથી નહીં, પણ બીજાના જીવનમાંથી પણ કશુંક શીખતો હોય છે. વિશાળ માનવસમુદાય, સમાજ કે રાષ્ટ્ર બીજા સમુદાયો, સમાજો કે રાષ્ટ્રો પાસેથી શીખતા હોય છે. આપણી ખુદની સંસ્કòતિ, પરંપરા અને ઇતિહાસબોધ આપણને ઘણું શીખવી દે છે. માણસ મૂળે કુતૂહલપ્રિય જીવ છે. નાનપણથી તેના મનમાં જાતજાતના સવાલો ઊછળકૂદ કરતા હોય છે, જેના જવાબો મેળવવા માટે તે નવું નવું શીખતો જાય છે.

માણસની કુતૂહલવૃત્તિ વૃદ્ધાવસ્થામાં ક્રમશ મંદ ભલે પડતી જાય, પણ એ સદંતર શૂન્ય કદાચ કયારેય બનતી નથી. માત્ર માણસો કે જનાવરો જ નહીં, મશીનો પણ શીખવાની પ્રક્રિયામાંથી પસાર થતાં હોય છે. યંત્રમાનવને કે કમ્પ્યુટરને નિશ્ચિત કામ માટે તૈયાર કરવા એનો અર્થ તેમને જે-તે ટાસ્ક શીખવવી એવો જ થયો ને!

શીખતા રહો

ધારો કે તમે લેખની શરૂઆતમાં વાત કરી એવા નહીં, પણ સારા પ્રોફેશનલ છો. તમારી કરીયર સરસ જઇ રહી છે. તમારા બોસ તમારા કામથી ખુશ છે. તમને ખુદને પણ એવું લાગે છે કે અમુકતમુક બાબતોમાં તમને હાઇ કલાસ ફાવટ આવી ગઇ છે. આ ‘હાઇ કલાસ ફાવટ’વાળી લાગણીમાં તમે સતત રમમાણ રહેતા હો તો ચેતવા જેવું છે. શકય છે કે તમારા કામમાં અચાનક એવું કશુંક ડેવલપમેન્ટ થાય કે તમારે કશુંક નવું શીખવું પડે.

તમને થાય કે ‘અરે, આ વસ્તુ તો મને અત્યાર સુધીમાં આવડી જવી જોઇતી હતી. હવે હું આ કયારે શીખવા બેસીશ? પણ જો મારે મારી કરીયરને મેન્ટેઇન કરવી હશે તો શીખ્યા વગર છૂટકો નથી.’ કોઇ પણ નવા કામને શીખવા માટેનો અભિગમ આવો તો ન જ હોવો જોઇએ. ‘આ વસ્તુ મને ઓલરેડી આવડવી જોઇતી હતી’ તેવું શું કામ માની લો છો? ના, એવું બિલકુલ જરૂરી નથી. તમે પ્રોફેશનલ લાઇફમાં આગળ વધતા જશો તેમ તેમ તમારે નવાં કામો, નવાં કૌશલ્યો, નવાં ટેકનોલોજિકલ ઉપકરણો શીખતાં રહેવું પડશે. વાસ્તવમાં, કશું નવું શીખવું જ ન પડે સ્થિતિ ખરાબ અને બોરિંગ ગણાય.

આપણે ક્યાંથી કેટલું શીખીએ છીએ? એક અભ્યાસ પ્રમાણે આપણે -

- વાંચીને ૧૦ ટકા શીખીએ છીએ.
- સાંભળીને ૨૦ ટકા શીખીએ છીએ.
- જોઇને ૩૦ ટકા સાંભળીએ છીએ.
- જોઇને અને સાંભળીને ૫૦ ટકા શીખીએ છીએ.
- ચર્ચા કરીને ૭૦ ટકા શીખીએ છીએ.
- અનુભવ કરીને ૮૦ ટકા શીખીએ છીએ.
- બીજાઓને શીખવીને ૯૫ ટકા શીખીએ છીએ.


એક વાતનો જવાબ આપો. તમે જે કોઇ ક્ષેત્રમાં હો, તમારા કામને વધારે અસરકારક બનાવે એવું આજકાલ તમે શું નવું શીખી રહ્યા છો? જો તમારો જવાબ ‘કંઇ નહી’ હશે તો એ સારી નિશાની નથી. યાદ રાખો, નવાં કૌશલ્યો શીખવા માટે તમે કયારેય મોડા નથી, પછી ભલે તમે કરીયરના કોઇ પણ તબક્કે હો. શિખાઉ હોવાની લાગણી સારી છે અને તે થોડા થોડા સમયાંતરે આવતી રહેવી જોઇએ.

નવું શીખવાની કોઇ ઉંમર નથી હોતી

માણસ ચાળીસ કે પચાસ વર્ષ વટાવે પછી ધીમે ધીમે તેને લાગવા માંડે છે કે એની યાદશકિત ઘટી રહી છે. ચશ્માં, ચાવી, પર્સ વગેરે કયાં મૂકયાં છે તે એ ભૂલવા લાગે છે. નવી બાબતો શીખવાની તેની ક્ષમતા પણ જાણે કે ઘટી જાય છે. કોઇ તો વળી એવા ડરથી પીડાવા લાગે છે કે કયાંક આ બધાં અલ્ઝાઇમર્સ (ભૂલવાની બીમારી)નાં પ્રારંભિક લક્ષણો તો નથી ને? (જો તમને પણ આવા વિચાર આવી જતા હોય તો સાંભળી લો કે આ રોગ બહુ ઓછા લોકોને લાગુ પડતો હોય છે.)

યાદ રાખવાની ક્ષમતા વ્યકિતએ-વ્યકિતએ બદલાતી હોય છે. કેટલાક માણસો સિત્તેર કે એંસી વર્ષ વટાવ્યા પછી પણ જુવાનિયાને શરમાવે તેવી યાદશકિત ધરાવતા હોય છે, જયારે કોઇ કોઇને ચાળીસીમાં જ તકલીફ પડવાની શરૂ થઇ જાય છે. મોટપણમાં સામાન્યપણે નવું જ્ઞાન મેળવવામાં કે નવી મેન્ટલ સ્કિલમાં પારંગત થવામાં સામાન્ય કરતાં વધારે સમય લાગે છે. તજજ્ઞો કહે છે કે પચાસ વર્ષ પૂરાં કરી ચૂકેલા અડધોઅડધ લોકોને એજ-રિલેટેડ મેમરી પ્રોબ્લેમ્સ થવા લાગતા હોય છે.

સારા સમાચાર એ છે કે મોટપણમાં યાદશકિત વધારવાના અને એ રીતે નવું શીખવાની ક્ષમતા વધારવાના ઘણા ઉપાયો છે. અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયા (આ પણ સ્મૃતિ સંબંધિત બીમારી છે) વિશે થયેલાં સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે ક્રોસ વર્ડ પઝલ કે એના જેવી બીજી રમતો રમવાથી કે દિમાગને કસરત થાય એવાં નવાં કામ શીખવાથી સારું પરિણામ મળે છે.

માણસની શીખવાની પ્રક્રિયાના છેડા એજયુકેશનલ સાઇકોલોજી ઉપરાંત ન્યુરો સાઇકોલોજીને પણ સ્પર્શે છે. દિમાગ માટે ફિઝિકલ એકિટવિટી જરૂરી છે કારણ કે તેનાથી એનો કાર્ડિયોવસ્કયુલર ફ્લો (હૃદય દ્વારા ધકેલાતા લોહીનું વહેણ) જળવાઇ રહે છે. જુદાં જુદાં કામ કરવાથી દિમાગમાં જુદા જુદા વિસ્તારો સક્રિય બને છે, જે ઘણું મહત્ત્વનું છે. દિમાગને દોડાવતા રહેવું પડે એ વાત સાચી, પણ એક હદરેખા પછી દિમાગને તેની ‘ટેવ’ પડી જાય છે. આથી જ નવાં નવાં કામ શીખતાં રહેવું જરૂરી છે. નવું શીખીએ એટલે નવી માહિતી મળે છે;

દિમાગમાં પેદા થતો ડોપામાઇન નામનું રસાયણ નવી ઇમેજીસ, વિચારો અને અનુભવોને વધારે સારી રીતે રિસ્પોન્ડ કરે છે. એકની એક ઇન્ફર્મેશન વારંવાર મમળાવ્યા કરવાને બદલે દિમાગને ‘નવો ખોરાક’ મળે એટલે એની યાદ રાખવાની શકિત વધારે તીવ્ર બને. રોજેરોજ યા તો દર રવિવારે ક્રોસ વર્ડની આડી-ઊભી ચાવીઓ ભરવી એ સારી એકસરસાઇઝ છે. એનાથી નવા શબ્દો કે શબ્દપ્રયોગો શીખવા મળે છે.

આજકાલ સુડોકુની આંકડાબાજી પોપ્યુલર બની રહે છે. આ પણ સાચી કસરત છે. નવી ભાષા શીખો. નવું વાધ શીખો. આજની દોડધામવાળી જિંદગીમાં, અલબત્ત, આવું બધું કરવાનો સમય ન મળે તે સમજાય એવું છે, પણ એનો અર્થ એવો નથી કે કોશિશ ન કરવી! ઉંમરની સાથે શરીરનાં બીજાં અંગોની જેમ મગજના કોષો નિષ્ક્રિય થવા લાગે છે. મગજમાં ‘કોગ્નિટિવ રિઝર્વ’ હોય છે. જો માણસ નવું નવું શીખતો રહીને આ કોગ્નિટિવ રિઝર્વ ઊંચું રાખે તો ડિમેન્શિયા કે એ પ્રકારની બીજી બીમારી થવાની શકયતા ઘણી ઘટી જાય છે.

સામાન્યપણે નક્કર રીતે શીખેલી બાબતો કે સજજડ રીતે એકઠી કરેલી માહિતી આપણો સાથ છોડતી નથી. માણસ વૃદ્ધ થાય તો પણ વાંચવાનું, ગણિત ગણવાનું, રાંધવાનું, સ્કૂટર કે કાર ચલાવવાનું વગેરે ભૂલતો નથી. સામાન્યપણે આ બધાં કૌશલ્યો માણસ એંસીના દાયકામાં પહોંચે ત્યાં સુધી યથાવત્ રહેતાં હોય છે.

વયસ્ક વ્યકિતઓએ આટલી બાબતો ઘ્યાનમાં રાખવી:

- તમે નવી માહિતી મેળવી રહ્યા હો કે નવું શીખી રહ્યા હો ત્યારે પૂરેપૂરા એકાગ્ર રહેવું. તમે જે શીખી રહ્યા છો એનાં મહત્વ વિશે સભાન રહેવું. સમયની સામે તમે મેરયોર બન્યા છો, અનુભવસમૃદ્ધ બન્યા છો. તમે જે કંઇ વાંચી કે સાંભળી રહ્યા હો તેમાં નવા અર્થોજોડતા જાઓ. શા માટે? કારણ કે આપણે નવી વસ્તુઓના અર્થ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે નવી મેમરી ‘ક્રિયેટ’ કરતા હોઇએ છીએ. તમે એકઝેકટ શબ્દ ભૂલી જાઓ તો પણ તમે એ શબ્દ સંબંધિત વિગતોને યાદ કરી શકો અને સરવાળે આખી વાતનો સાર પામી શકો.

- એક સમયે એક જ કામ કરવું. વાંચતા બેઠા હો તો માત્ર વાંચવું, સાથે ખાવાપીવાનું કે ટીવી જોવાનું ન રાખો. લેકચર અટેન્ડ કરતા હો તો ડાયરીમાં ભેગાભેગી નોંધ પણ ટપકાવતા જવું. એક જ વસ્તુ વારંવાર રિફર કરવી. ઘોંઘાટ, ભીડ કે ચિંતા જેવી લાગણીને એક તરફ ધકેલી દેવી. આ રીતે તમારી માનસિક તીવ્રતા વધશે જે યાદશકિતને સુ¼ઢ બનાવવામાં મદદ કરશે.

- નવું શીખી રહ્યા હો એ દિવસોમાં ડાયરી અને પેન કાયમ સાથે રાખવા. વરચે ગમે ત્યારે એ વિષયને લગતાં જે કંઇ વિચાર આવે એ ટપકાવી લો. શીખેલાં નામો, આંકડા, વિગતો, શબ્દો એ બધું વરચે વરચે એમ જ લખતા રહો.

- પ્રેક્ટિસ કરવી તે માત્ર આધેડ અને વૃદ્ધો માટે જ નહીં, વીસ વર્ષના યુવાન માટે પણ મહત્ત્વનું છે, એ યાદ રાખો. રિયાઝ વગર કયારેય કોઇ પારંગત બનતું નથી. જાત પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ ન રાખો. જે કંઇ શીખ્યા છો તેનું સમયાંતરે રિવિઝન કરતા રહો, વ્યવહારમાં એ અજમાવતા રહો, બીજાઓ સાથે એની ચર્ચા કરતા રહો અને શકય હોય તો પોતે શીખેલું બીજાઓને શીખવો પણ ખરા. આ રીતે એક ટેવ પડતી જશે. એક વસ્તુ શીખી લીધા પછી બીજી વસ્તુ શીખો, પછી ત્રીજી...

હેપી લર્નિંગ...!

આપણે શીખીએ છીએ ત્યારે એક્ઝેકટલી શું થાય છે?

માણસના મગજની એક સૌથી રહસ્યમય અને એટલી જ રસપ્રદ બાબત છે એની શીખવાની અને જે કંઇ શીખેલું છે તેને યાદ રાખવાની ક્ષમતા. આ અંગે ઘણાં સંશોધનો થયાં છે, જેમાંથી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીનો બ્રેઇન સાયન્સ પ્રોગ્રામ (બીએસપી) સૌથી વધારે સ્વીકાર્ય બન્યો છે.

બે નર્વ સેલ્સ યા તો બે જ્ઞાનતંતુ વરચેના સાંધાઓને સિનેપ્સીસ(સ્ન્ક્કઁaષ્ટસ્ન્ફૂસ્ન્) કહે છે. માહિતીનો સંગ્રહ તેમ જ આપ-લે કરવાનું કામ ઘણું કરીને આ સીનેપ્સીસમાં થતું હોય છે. સિનેપ્સીસ એની પાસેથી લેવામાં આવતા કામના આધારે પોતાની અસરકારકતા ઘટાડી કે વધારી શકે છે. આને સિનેપ્સીસ પ્લાસ્ટિસિટી કહે છે. શીખવાની પ્રક્રિયા અને સ્મૃતિનો સીધો સંબંધ સિનેપ્સીસ પ્લાસ્ટિસિટી સાથે છે.

નવી માહિતીના સંગ્રહ માટે યા તો ટકી રહેવા માટે સિનેપ્સીસને નવાં પ્રોટીનની જરૂર પડે. એમાંનાં ઘણા પ્રોટીન સિનેપ્સીસમાં એમઆરએનએ (એમ-રિબોઝ ન્યુકિલક એસિડ)ના ટ્રાન્સલેશન થકી પેદા થાય છે. હવે, આ નિર્માણ સેલ-બોડીમાં થાય છે અને પેલા સિનેપ્સીસ સેલ-બોડીથી દૂર હોય છે.

આથી ન્યુરોન પાસે એવા કોઇ રસ્તા હોવા જોઇએ, જેના થકી તે સિનેપ્સીસમાં થઇ રહેલી ગતિવિધિ અનુસાર એમઆરએનએના ટ્રાન્સલેશનને સક્રિય બનાવી શકે. આ પ્રકારના લોકલ ટ્રાન્સલેશનના નિયમન માટેના વિશિષ્ટ મોલેક્યુલર મિકેનિઝમને સાયટોપ્લાઝ્મીક પોલીએડીનાયલેશન કહે છે. આ ખૂબ જટિલ પ્રક્રિયા છે અને હજુય તેની સંપૂર્ણ સમજ મેળવવા માટેનાં સંશોધનો ચાલી રહ્યાં છે.

No comments:

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory