આપનું સ્વાગત છે -


Powered by IP2Location.com

Sunday, July 19, 2009

પહેલું સુખ તે સારું ભણ્યા

પહેલું સુખ તે સારું ભણ્યા

Gunvant Shah
Sunday, July 19, 2009 19:58 [IST]
જીવતર છે ત્યાં સુધી ભણતર છે. ભણતર એટલે જ ભોગ, યશ અને સુખ. આ વાત સદીઓ પહેલાં ભર્તહરિએ કરી હતી.

શિક્ષણ વધે તો ગરીબી ઘટે. શિક્ષણ વધે તો રોગ, અંધશ્રદ્ધા, છેતરપિંડી, રુશવતખોરી, દહેજ, ગુનાખોરી અને મારામારી ઘટે. શિક્ષણ વધે તો હુલ્લડ ન થાય, બ્લેકમેઇલ ન થાય અને આપઘાત ટળે.

શિક્ષણ મોઘું નથી પડતું, અજ્ઞાન મોઘું પડે છે. શિક્ષણ જાદુની લાકડી છે કે? હા, પણ એક શરત છે. શિક્ષણ ‘સારું’ હોવું જોઇએ. બાખડી ભેંસ પણ જીવે છે અને માણસ પણ જીવે છે, પરંતુ બંનેના જીવનમાં જે તફાવત પડી જાય તેનો જશ સારા શિક્ષણને ફાળે જાય છે. સુશિક્ષણમ્ દ્વારા સુજીવનમ્ અને સુજીવનમ્ને કારણે જ સુરાષ્ટ્રમ્! (યાદ રહે કે ‘સૌરાષ્ટ્ર’ શબ્દ મૂળે ‘સુરાષ્ટ્ર’ પરથી આવેલો છે.) આપણું કોણ સાંભળે? બાકી એકવીસમી સદીના નવા ધર્મનું નામ ‘શિક્ષણ’ છે.

ભાર વગરનું ભણતર! વાહ ભાઇ વાહ. ભાર શેનો રહે છે? જરા સોચો. ભારનું ખરું કારણ ભણતર નથી. ‘ઢ’ વિધાર્થી કદી પણ ભાર રાખતો નથી. ભારનું કારણ પરીક્ષા પણ નથી. પ્રત્યેક પરિવારમાં ભણતા કોઇ સંતાનનું પરિણામ આવે ત્યારે એના ટકા ઓછા હોય તો એની અખંડસૌભાગ્યવતી માતા, માસી, મામી, કાકી, ફોઇ, ભાભી, દાદી અને તેમના મૂર્ખ પતિદેવો જે ચર્ચા કરીને બાળકને પીંખે તેને કારણે ભાર (સ્ટ્રેસ) રહે છે.

આ બાળક ‘જેકપોટ’ બની રહે છે. કપિલ સબ્બિલ જેવા તેજસ્વી અને ઓજસ્વી માણસને માનવીય સંસાધન વિકાસનું ખાતું સોંપવામાં વડાપ્રધાને ભારે શાણપણ બતાવ્યું છે. અંદરની હકીકત એ છે કે કપિલજીને ડો.યશપાલ જેવા સમર્થ સલાહકાર મળ્યા છે. ડો.યશપાલ સાથે તીનમૂર્તિ ખાતે દિલ્હીમાં પૂરા ચાર દિવસ એક સેમિનારમાં જોડાવાનું બનેલું. તેઓ વિજ્ઞાની છે, રેશનલિસ્ટ છે અને વળી શિક્ષણમાં ભારતીય સંસ્કતિની સુગંધ જળવાય તેનો આગ્રહ રાખનારા છે. જે ફેરફારો સૂચવાયા છે તેમાં શુભ ઇરાદા અંગે શંકા રાખવા જેવું નથી. આ કોઇ પોલિટિકલ પ્રશ્ન નથી. ગુજરાત સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું તે ગમ્યું. અભિપ્રાય ભેદ કયાંય હોય તોય સહકાર ત્યજવામાં શાણપણ નથી. ભૂલ થશે તો સુધરશે. શિક્ષણ માટે થતો કોઇ પણ ખર્ચ વધારે ન ગણાવો જોઇએ. એ તો માનવીમાં થતું ઇન્વેસ્ટમેન્ટ છે.

શિક્ષણ વર્ગમાં પણ થાય અને વર્ગની બહાર પણ ચાલતું હોય છે. એક આધારહીન વાત કરું? આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં દુર્યોધનને હાઇ બ્લડપ્રેશર રહેતું, પરંતુ એને લોહીનું દબાણ એટલે શું તેની ખબર જ ન હતી. તમે માનશો? ભીમને મલેરિયાને કારણે ટાઢિયો તાવ આવ્યો, પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિરને ખબર જ ન હતી કે મરછરને કારણે ભીમને ટાઢ વાય છે. વડોદરામાં વહેલી સવારે રસ્તાની બાજુએ પંચમહાલથી આવેલા મજૂરો (મામાઓ) મરછરદાનીમાં સહકુટુંબ સૂતેલા હોય છે. શિક્ષણનો અનુબંધ પ્રકાશ સાથે છે. અંધારું સ્વભાવે ઠોકર ખવડાવનારું છે. પ્રકાશ થાય ત્યારે ઠોકર ગાયબ!

આપણી પરંપરામાં જ્ઞાન સાથે પ્રકાશ જોડાયો છે. ‘પ્રજજવલિતો જ્ઞાનમય પ્રદીપ:’. ભણેલી આદિવાસી કન્યાને વહેલી તકે મોબાઇલ ફોન પહોંચાડો. એના વલણમાં જે ક્રાંતિ આવશે તે જ એને શોષણમુકત કરશે. અમારા વડીલ કેળવણીકાર મુ.જે.પી.નાયક કહેતા કે ગામડાંમાં ‘કલ્ચર ઓફ સાઇલન્સ’ પ્રવર્તે છે. એ દૂર થાય તે હવે કેવળ સમયનો સવાલ છે. એ કામ કોઇ ગ્રામસેવક નહીં, પરંતુ નવી ટેકનોલોજી કરવાની છે. શિક્ષણ પહોંચે પછી સેવાની ઝાઝી જરૂર નહીં પડે.

પ્રાથમિક નિશાળના વર્ગો જયારે એરકન્ડિશન્ડ હશે ત્યારે ગરીબી ટકશે ખરી? શું આ કોઇ શેખચલ્લીનું સ્વપ્ન છે? જયારે એસી સૂર્યશકિતથી ચાલતું થશે ત્યારે એમ જ બનવાનું છે. ઊર્જાની અછત એ હવે એકાદ દાયકાનો પ્રશ્ન છે. અઢળક સૂર્યશકિતને જોતરવા માટેનાં સંશોધનો ચાલુ છે. શિયાળામાં સૂર્યદેવે ગરમ કરી રાખેલું પાણી મળતું થયું તેમ વર્ગખંડમાં ભરઉનાળે ઠંડક પહોંચવાની છે. કરછનાં ગામડાંમાં પદયાત્રા કરી ત્યારે ગામેગામ પાદર પર ભવ્ય કમાન જોવા મળતી.

સંતાનો માતપિતાની યાદમાં કમાન બંધાવીને તેના પર માતાપિતાનું નામ લખે. એ મૂર્ખજનોને કોણ કહે કે તમે તમારા પૈસા (કલાપીની ‘ગ્રામમાતા’ જેવી) નિશાળમાતાને અર્પણ કરો. નિશાળ ભવ્ય બને પછી ગામની લાઇબ્રેરીને ભવ્ય બનાવો. ‘ડિસ્કો’ શબ્દ મૂળે લેટિન શબ્દ છે, જેનો અર્થ છે : ‘હું શીખું છું.’ જીવતર છે ત્યાં સુધી ભણતર છે. ભણતર એટલે જ ભોગ, યશ અને સુખ. આ વાત સદીઓ પહેલાં ભર્તહરિએ કરી હતી. (વિધા ભોગકરી યશ: સુખકરી). સદીઓ વીતી પછી વીર નર્મદે એ જ વાત ફરીથી કરી અને કહ્યું :

હાંરે ભણવાથી ઘણું ઘણું જાણો
હાંરે ઉધમ અંતે યશ-સુખ માણો રે.
હાંરે નવાં મંદિરનું માન વધારો
હાંરે હોંસે હોંસે અભ્યાસ કરો સારો રે
ભણો ભણો રે ભણો ભણો!


ડો.યશપાલ નેશનલ કરિકયુલમ ફ્રેમવર્ક (ટઊઈ)ના ચાર મુખ્ય સૂત્રો ગણાવે છે : (૧) ગોખણપટ્ટી નહીં સમજણ મહત્ત્વની છે. (૨) શિક્ષણ આસપાસની દુનિયા સાથે જોડાયેલું હોવું જોઇએ. (૩) પ્રત્યેક બાળક પોતાનું ભણતર સરજે છે, એ પૂરું પાડવાનું નથી. (૪) બાળકો પરનો બોજો ભણતરને હાનિ પહોંચાડે છે. ડૉ.યશપાલ સાચું કહે છે : ‘ઉચ્ચ શિક્ષણ પૈસા રળનારી ફેકટરી બની ગયું છે અને એંજિનિયિંરગ તથા મેનેજમેન્ટનું શિક્ષણ આપતી સંસ્થાઓની સંખ્યા વધી છે, પરંતુ ગુણવત્તા વધી નથી.’ નિદાન સાવ સાચું છે, હવે કપિલ સબ્બિલે ઉપચાર પર ઘ્યાન આપવું જોઇએ. શ્રદ્ધા છોડવા જેવી નથી.

ઉચ્ચ શિક્ષણનો સંબંધ ‘પરસ્યૂટ ઑફ એકસેલન્સ’ સાથે રહેલો છે. કાકાસાહેબ કાલેલકરે વર્ષોપહેલાં કુલપતિ ઈશ્વરભાઇ પટેલને ‘એકસેલન્સ’ માટે ‘પારમિતા’ જેવો પર્યાય સૂચવ્યો હતો. જો પારમિતાની આરાધના ન થાય તો દેશ પાછળ રહી જાય. ભાર રાખ્યા વિના ભણી ખાનારા ૧૦૦માંથી ૮૦ વિધાર્થીઓ હોય છે, પરંતુ દેશનું ભાવિ, ભાર રાખનારા ૨૦ વિધાર્થીઓ પર અવલંબે છે. અમેરિકન વિધાર્થીઓ સુખાવળા (હેડોનિસ્ટ) બનતા રહ્યા છે તેથી જ આપણે ત્યાંથી તાણ વેઠીને અમેરિકા પહોંચેલા વિધાર્થીઓ જબરી ધાડ મારે છે. સ્વાનુભવે કહું છું કે અમેરિકાનું યૌવન પતનને તળિયે પહોંરયું છે. એ હવે વધારે નીચે જઇ શકે તેમ નથી. ડ્રગ, સેકસ અને શરાબનો અતિરેક ‘કલ્ચર ઓફ વાયોલન્સ’ ને જન્મ આપે છે.

ગુજરાત સરકારે ડૉ.કિરીટ જોશી જેવા અનુભવી વહીવટકાર, ચિંતક અને વિદ્વાનની સલાહ લેવાની શરૂઆત કરી તે યોગ્ય છે. જે કામ ડૉ.યશપાલ દિલ્હીમાં કરશે તે કામ કિરીટભાઇ ગુજરાતમાં કરી શકે તેમ છે. છેલ્લાં સાત વર્ષોમાં ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં જે ‘ઉચ્ચ કક્ષાનો’ ભ્રષ્ટાચાર પેઠો છે, તેનું વાસીદું વાળવાનું કામ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરશે તેવી આશા ફળી નથી. ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી.’ આ વિધાનના પૂર્વાર્ધ સાથે આખું ગુજરાત સહમત છે, પરંતુ એના ઉત્તરાર્ધ સાથે સહમત થવામાં નરેન્દ્ર મોદી એકલા છે. તેઓએ હવે શિક્ષણ માટે રોજ એક કલાક જુદો ફાળવ્યો રહ્યો. પહેલું સુખ તે સારું ભણ્યા!’

પાઘડીનો વળ છેડે

‘અમે જયારે અમેરિકામાં ઊછરતાં નાનડિયાં હતાં ત્યારે અમને કહેવામાં આવતું કે ડિનર વખતે શાકભાજી છાંડવાં નહીં. માતા અમને કહેતી કે ડિનર વખતે ભારતનાં ભૂખે મરતાં બાળકોનું સ્મરણ કરવું અને ખાવાનું એઠું છોડવું નહીં. આજે હવે હું મારાં બાળકોને કહું છું : ‘તમારું લેસન પૂરું કરો. ભારતનાં બાળકોનું સ્મરણ કરો. તમે જો તમારું લેસન બરાબર નહીં કરો તો તેઓ તમને ભૂખે મારશે.’-થોમસ ફ્રીડમેન(‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પત્રકાર અને વિદેશનીતિના તજ્જ્ઞ)

1 comment:

Pancham Shukla said...

Very good. Thanks for sharing.

 
Bloggapedia, Blog Directory - Find It! Directory of Poetry Blogs India Counts Add My Site Directory Blog Directory Literature blogs Top Blogs Blog Directory Poetry Blogs - BlogCatalog Blog Directory Hindi blogs directory, Chitthalok Easy Seek-Free Search All-Blogs.net directory Blog Directory Add to Bloglines

B R E A K the Language Barrier - Read in your own script Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam

See This site in Hindi Add My Site Directory