ન્યુઝ ફોક્સ
બ્રિટનમાં સુપરસ્ટોરો સામે આંદોલન શરૂ થઇ ગયું છે
યુરોપના નાના દુકાનદારો અને ગ્રાહકો શોપિંગ મોલના કલ્ચરનો મુકાબલો કરવા સંગઠિત થયા છે
ભારતમાં કેન્દ્ર સરકારની મલ્ટીનેશનલ કંપનીઓને પ્રોત્સાહન આપવાની નીતિના પાપે શોપિંગ મોલ્સનું કલ્ચર ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે અત્યારે તો રિટેઇલ વેપારના ક્ષેત્રમાં સિંગલ બ્રાન્ડ મલ્ટીનેશનલ કંપનીઓને જ ૨૬ ટકા સુધીની ભાગીદારી કરીને ભારતમાં પોતાની દુકાનો ખોલવાની પરવાનગી આપી છે. ટૂંક સમયમાં આપણી કહેવાતી સરકાર તમામ મલ્ટીનેશનલ કંપનીઓને ભારતમાં રિટેઇલના વેપારમાં પગદંડો જમાવવાની છૂટ આપી દેશે તે નક્કી છે. અત્યારે બિગબાઝાર અને અદાણી જેવીકંપનીઓ સુપરમાર્કેટો ઊભી કરી રહી છે તે તો હકીકતમાં વોલ-માર્ટ અને ટેસ્કો જેવી મલ્ટીનેશનલ કંપનીઓ માટે ગ્રાઉન્ડ સાફ કરવાની ભૂમિકા ભજવી રહી છે.
રિટેઇલના ક્ષેત્રમાં જો ડાયરેકટ મલ્ટીનેશનલ કંપનીઓ મેદાનમાં આવી જાય તો તેમણે પ્રજાના અને છૂટક દુકાનદારોના ભારે રોષનો સામનો કરવો પડે. તેને બદલે આ કામ જો ભારતીય કંપનીઓ કરે તો એટલો વિરોધ ન થાય. અત્યારે પણ રિલાયન્સ અને ભારતી ટેલિકોમ જેવી કંપનીઓ મોટા પાયે રિટેઈલના ધંધામાં ઝંપલાવવાની તૈયારીઓ કરી રહી છે. તેની પાછળ પણ હકીકતમાં વોલ-માર્ટ વિગેરે મલ્ટીનેશનલ કંપનીઓનું પીઠબળ જ કામ કરી રહ્યું છે. હકીકતમાં મલ્ટીનેશનલ કંપનીઓ ભારતીય કંપનીઓને આગળ કરીને આપણી પ્રજામાં પગપેસારો કરી રહી છે. સાથે સાથે તેઓ પ્રધાનોના એન સરકારી અધિકારીઓના સ્તરે પણ ધૂસણખોરી કરીને પોતાને અનુકુળ આવે તે રીતે સરકારી નીતિઓમાં ફેરફારો કરાવી રહી છે. સ્વદેશી કંપનીઓ જેવી રિટેઇલના ધંધામાં સ્થિર થશે કે તરત જ આ મલ્ટીનેશનલ કંપનીઓ પહેલા તેમના પાર્ટનર તરીકે ગોઠવાઈ જશે અને પછી ટૂંક સમયમાં પોતે જ આલિશાન શોપિંગ મોલ્સના માલિક બની જશે.
બ્રિટનમાં આજે અનાજ અને કરિયાણાંનો ૭૫ ટકા જેટલો છૂટક વેપાર માત્ર ચાર જકંપનીઓના હાથમાં કેન્દ્રિત થયેલો છે, જેમાં પણ ટેસ્કો કંપની મોખરે છે. બ્રિટનના લાખો ખેડૂતો અને ખોરાક-ઉત્પાદકો જે માલનું ઉત્પાદન કરે છે એ તેમણે આ ચારમાંથી એક કંપનીને જ વેચવો પડે છે. આ બધા માલના ઉત્પાદન, પ્રોસેસિંગ, વિતરણ અને વેચાણ ઉપર આ ચાર જ કંપનીઓનો કાબૂ છે. બ્રિટનના ૯૦ ટકા નાગરિકોએ પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આ ચાર કંપનીઓ અને તેમની નીતિરીતિઓ ઉપર આધાર રાખવો પડે છે. શું આ રીતે છૂટક વેપાર સંગઠિત થવાને કારણે અને તેના ઉપર ચાર જ કંપનીઓનો ઇજારો સ્થપાવાને કારણે વપરાશકારો, નાના વેપારીઓ અને બ્રિટનની જનતા સંતુષ્ટ છે ? ના ! આ કારણે જ બ્રિટનમાં સુપરસ્ટોર્સ સામે આંદોલન શરૂ થયું છે.
ઇ.સ. ૧૯૭૨માં યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીને ભારતીયોની અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓની હકાલપટ્ટી કરી તે પછી આવા હજારો પરિવારો ભાગીને બ્રિટનમાં સ્થાયી થયા હતા અને તેમણે ઠેકઠેકાણે અનાજ, કરિયાણું, કટલરી, સ્ટેશનરી, ક્રોકરી, દવાઓ, પુસ્તકો, કોન્ફેક્ષનરી વિગેરેની દુકાનો શરૂ કરી હતી. પોતાના મહેનતુ સ્વભાવ, ઇમાનદારી અને વ્યક્તિગત ઉષ્માભર્યા સંબંધોના કારણે તેમણે બ્રિટીશરોનાં દિલ જીતી લીધાં હતાં.
બ્રિટનમાં આશરે ૩૦ વર્ષ અગાઉ સુપરસ્ટોર્સનો મેનિયા શરૂ થયો હતો. ગુજરાતી અને રાજસ્થાની દુકાનદારો ૨૪ કલાક પોતાની દુકાનો ચાલુ રાખીને ગ્રાહકોને સેવાઓ આપતા હતા. ટેસ્કો જેવી કંપનીઓએ પણ તેમની નકલ કરીને પોતાની સુપરબજારો ૨૪ કલાક ખુલ્લી રાખવા માંડી. આ જાયન્ટ કંપનીઓ પાસે જે મૂડીરોકાણ, મેનપાવર, નેટવર્ક અને સરકારી સંપર્કો હતા તેનો ભારતીય દુકાનદારો પાસે અભાવ હતો. આ રીતે ભારતીય દુકાનદારો સ્પર્ધામાં પાછળ પડતા ગયા. આ સુપરમાર્કેટોની નીતિ બહુ સ્પષ્ટ હોય છે કે તેઓ ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ માલ ખૂબ સસ્તી કિંમતે ખરીદે છે અને ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ આપે છે. આ ડિસ્કાઉન્ટના લોભમાં ગ્રાહકો નાના દુકાનદારોને પડતાં મૂકીને સુપરમાર્કેટોમાં દોડે છે અને ઘૂમ ખરીદી કરે છે. આ રીતે ધંધાનું ટર્નઓવર વધી જતાં સુપરમાર્કેટના સંચાલકો ઉત્પાદકને વઘુ ને વઘુ દબાવે છે અને તેની પાસેથી વઘુમાં વઘુ સસ્તામાં માલ પડાવવાની કોશિષ કરે છે.
અમેરિકામાં વોલ-માર્ટ કંપનીની આ નીતિને કારણે અનેક ઉત્પાદકો પાયમાલ થઇ ગયા છે અને અનેકોને આપઘાત કરવાની ફરજ પડી છે. વળી વોલ-માર્ટ કંપની ઉપર તેના કર્મચારીઓનું શોષણ કરવા માટેના હજારો કેસો થયા છે. વોલ-માર્ટ કંપની દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ બાબતમાં એક ફિલ્મ પણ બની છે, જેનું નામ ‘ધ હાઈ કોસ્ટ ઓફ લો પ્રાઇસ’ એવું રાખવામાં આવ્યું છે. અમેરિકનોને વોલ-માર્ટના સસ્તા ભાવ ખૂબ મોંઘા પડે છે. હકીકતમાં અમેરિકામાં વધી રહેલી બેકારી માટે વોલ-માર્ટ કંપની પણ જવાબદાર છે. અમેરિકામાં મજૂરી ખૂબ મોંઘી હોવાથી વોલ-માર્ટ કંપની પોતાના માલનું ઉત્પાદન ચીન, ભારત અને બાંગલા દેશ જેવા ગરીબ દેશોમાં કરાવે છે, જેને કારણે હજારો અમેરિકનો બેકાર બને છે. આ કારણે હવે અમેરિકામાં પણ વોલ-માર્ટ કંપનીનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.
બ્રિટનના વપરાશકારો તરફથી જ હવે ટેસ્કો જેવી કંપનીઓનો વિરોધ થઇ રહ્યો છે. તેનું કારણ એ છેકે સ્થાનિક દુકાનો બંધ થયા પછી આ સુપરમાર્કેટો ગ્રાહકોનું પણ શોષણ કરી રહી છે. વળી તેઓ સ્થાનિક જરૂરિયાત મુજબ માલ રાખવામાં અને વ્યક્તિગત સેવાઓ આપવામાં સમજતા જ નથી. આ કારણે તેમના પ્રત્યેનો અસંતોષ વધી રહ્યો છે. લંડનના એક વિસ્તારમાં તો ‘સ્ટારબક’ નામની સુપરમાર્કેટ સામે રીતસરનું આંદોલન જ શરૂ કરવામાં આવ્યું હતું અને તેને પોતાની દુકાન બંધ કરવામાં ફરજ પાડવામાં આવી હતી. અત્યારે બ્રિટનમાં ૨૦૦ સ્થળોએ સુપરમાર્કેટોને બંધ કરાવવા આ રીતે આંદોલનો ચાલી રહ્યાં છે.
રિટેઇલિંગનો ધંધો કરતી મલ્ટીનેશનલ કંપીઓને યુરોપ અને અમેરિકા ઉપર પોતાનો પગદંડો જમાવી દીધા પછી હવે પોતાની નજર આફ્રિકા અને એશિયાખંડ ઉપર કેન્દ્રિત કરી છે. થાઈલેન્ડમાં બ્રિટનની ટેસ્કો કંપનીએ ૧૧૨ સુપરમાર્કેટો ખોલી કાઢી છે, જે ‘ટેસ્કો લોટસ’ તરીકે ઓળખાય છે. શાંગહાઈ જેવાં શહેરોમાં ટેસ્કો કંપનીએ ૧૪ સુપર માર્કેટો ખોલી કાઢી છે. હવે તેઓ ભારતના દરવાજા ખટખટાવી રહ્યા છે. મલ્ટીનેશનલ કંપનીઓના ભારે દબાણ હેઠળ કેન્દ્ર સરકારે રિટેઇલિંગના ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણને સૈઘ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. લાખો નાના દુકાનદારો પાસેથી ફંડફાળો એકઠો કરીને ચૂંટણી લડનારા અને જીતનારા આપણા સંસદસભ્યો લોકસભામાં ગયેલા વેપારીઓ એવું માનીને બેઠા છે કે આ મોટી કંપનીઓની સામે બાથ ભીડી શકાય જ નહીં પણ બ્રિટનનો અનુભવ સૂચવે છે કે જો પ્રજાના વિરાટ બળને જાગૃત કરવામાં આવે તો ગમે તેવી વિરાટ અને રાક્ષસી કંપનીએ પણ પીછેહઠ કરવી પડે છે. તે માટે પ્રજા સુધી સાચી માહિતી પહોંચે તે ખૂબ જરૂરી છે.
એક વખત એવું માનવામાં આવી રહ્યું હતું કે ફાસ્ટ ફૂડ વેચીને કરોડો લોકોના આરોગ્યની ખાનાખરાબી કરનારી મેકડોનાલ્ડસ કંપનીની આગેકૂચને કોઈ રોકી શકેતેમ નથી. એક સમય એવો હતો કે દુનિયાના કોઈ પણ ખૂણામાં દરરજો મેકડોનાલ્ડસની ચાર નવી શાખાઓ ખૂલતી હતી. તેમાં ‘સુપર સાઇઝ’ની નામની ફિલ્મે અને ‘ફાસ્ટ ફૂડ નેશન’ નામના પુસ્તકે મેકડોનાલ્ડસ સામે વિરોધનો એવો ઝંઝાવાત પેદા કર્યો છે કે આજે મેકડોનાલ્ડસના નફાનું માર્જિન સતત ઘટી રહ્યું છે. તાજેતરમાં સમાચાર આવ્યા છે કે મેકડોનાલ્ડસને તેની ૨૫ રેસ્ટોરાંઓ ખોટ ખાતી હોવાથી બંધ કરવાની ફરજ પડી છે.
તાજેતરમાં બ્રિટનમાં એક સર્વે કરવામાં આવ્યો ત્યારે ૧૩થી ૧૫ વર્ષની વયજૂથના માત્ર એક ટકા કિશોર-કિશોરીઓએ એવું કહ્યું હતું કે તેમનું ફેવરિટ ભોજન મેકડોનાલ્ડસની ડીશ છે. અગાઉ સાત ટકા ટીનએજરો આવી માન્યતા ધરાવતા હતા. પ્રસાર માઘ્યમો જો પોતાની ફરજ બરાબર બજાવે અને આવી કંપનીઓની અસલિયત પ્રજાની સામે લાવે તો ચોક્કસ પ્રજા પોતાની આદતો બદલવા તૈયાર હોય છે. તેનું જ્વલંત ઉદાહરણ કોક અને પેપ્સી જેવી કંપનીઓનાં ઝેરી પીણાંઓના વેચાણમાં સતત થઇ રહેલો ઘટાડો છે.
ભારતમાં પણ એક સમયે એવું માનવામાં આવતુંહતું કે કોકાકોલા અને પેપ્સીના સામ્રાજ્યને કોઈ પડકારી શકે નહીં. દિલ્હીની સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એનવાયર્નમેન્ટ નામની સંસ્થાના હેવાલને પગલે આ કંપનીઓને અત્યાર સુધીમાં અબજો રૂપિયાનું નુકસાન થઇ ગયું છે. તાજેતરમાં આ કંપનીઓએ બહાર પાડેલા વેચાણના આંકડાઓ મુજબ ગયાં વર્ષે આ કંપનીઓના વેચાણમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો હતો. આપણી પ્રજા કોક અને પેપ્સીને બદલે લસ્સી અને લીંબુ પાણી પીતી થઇ ગઇ છે.
તાજેતરમાં રામદેવ સ્વામીજીએ પણ કોક અને પેપ્સી જેવાં હાનિકારક પીણાંઓ સામે વૈચારિક ઝુંબેશ ચલાવી છે, તેને કારણે આ પીણાંઓના વેચાણ ઉપર વઘુ ફટકો પડ્યો છે.
આ અસર નાબૂદ કરવા આ કંપનીઓને પોતાના જાહેરખબરના બજેટમાં કરોડો રૂપિયાનો વધારો કરવાની ફરજ પડી છે. હજી પણ સચીન તેન્ડુલકર જેવા ક્રિકેટરો અને શાહરૂખખાન જેવા ફિલ્મસ્ટારો કરોડો રૂપિયાના મોહમાં આ હાનિકારક પીણાંઓની જાહેરખબરોમાં ચમકી યુવા પેઢીને ગુમરાહ બનાવવાનું બંધ કરે તો આ કંપનીઓને ભારતમાંથી ઉચાળા ભરવાની ફરજ પડે તે નક્કી છે.
આપનું સ્વાગત છે -
Powered by IP2Location.com
Friday, July 31, 2009
બ્રિટનમાં સુપરસ્ટોરો સામે આંદોલન શરૂ થઇ ગયું છે
Posted by Vijaykumar Dave at 2:33 PM
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment